રાજસ્થાનના જયપુરમાં આજરોજ મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી. ખોહ નાગોરિયાન વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં બાળક સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 11 વાગ્યે આયેશા નગર તલાઈ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં મોટી માત્રામાં જ્વલનશીલ સામગ્રી અને ફટાકડાનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે થોડી જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટનામાં રહીમ, 15 વર્ષીય રૂબીન અને અબ્દુલ વાહિદના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બીજી તરફ નાસિર ખાન, સમીર ખાન, બિલાલ અને આદિબ ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની સારવાર જયપુરની SMS હોસ્પિટલમાં ચાલી રહી છે. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં કેટલાક લોકો 90થી 95 ટકા સુધી દાઝી ગયા છે. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ ફેક્ટરીની અંદર કામ કરતા લોકો જીવ બચાવવા માટે દોડીને બહાર નીકળ્યા હતા. ઘણા લોકોના કપડાં અને શરીર સળગી રહ્યા હતા. દાઝેલા લોકો રસ્તા પર પીડાથી કણસતા હતા અને મદદ માટે આજીજી કરી રહ્યા હતા. જોકે કેટલાક લોકો તેમની મદદ કરવા કરતાં ઘટનાના વીડિયો બનાવવામાં વ્યસ્ત હોવાનું પણ સામે આવ્યું છે. સ્થાનિક રહેવાસી હાશિમ અન્સારીએ જણાવ્યું કે આગની જાણ થતાં તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટેન્કરની પાઈપ લઈને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ત્રણથી ચાર લોકોને બહાર કાઢ્યા હતા. જોકે આગ એટલી ભયાનક હતી કે અંદર ફસાયેલા અન્ય લોકોને બચાવી શકાયા નહોતા. લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન તેનો પગ પણ દાઝી ગયો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, વહીવટી અધિકારીઓ અને એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં રાખવામાં આવેલા ફટાકડા અને અન્ય સામગ્રી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સ્થળ પરથી લગ્ન પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતા ફટાકડાના અવશેષો પણ મળી આવ્યા હતા. આ ઘટનાએ ફેક્ટરીના સંચાલનને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક ધારાસભ્ય અમીન કાગઝીએ આરોપ લગાવ્યો છે કે ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. તેમણે વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે સમયસર કાર્યવાહી થઈ હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાય હોત.
ઘટના બાદ પોલીસે ફેક્ટરીને સીલ કરી દીધી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે. હાલમાં ફેક્ટરીનો માલિક કોણ છે અને તે કયા પરવાનગીના આધારે ચાલી રહી હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જયપુરના કલેક્ટર સંદેશ નાયકે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આગ જ્વલનશીલ પદાર્થને કારણે લાગી હોવાનું જણાય છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.