સુરતના લાલગેટ વિસ્તારમાં આજે બપોરે એક મોટી આગની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. રાણી તળાવ રોડ પર આવેલી પાંચ માળની રહેણાંક-કમર્શિયલ ઇમારતમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના ગ્રાઉન ફ્લોર પર આવેલા કાપડના શો-રૂમમાંથી શરૂ થયેલી આગે થોડી જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઉપરના માળે રહેતા લોકો માટે જીવનું જોખમ ઊભું થયું હતું.
ફાયર વિભાગ પાસે થી પ્રાપ્ત વિગતો અનુસાર, ‘હનીફા મંઝિલ’ નામની G+5 ઇમારતમાં નીચે કપડાંના વેપારનું સંચાલન થતું હતું, જ્યારે ઉપરના માળે અનેક પરિવારો રહેતા હતા. કાપડનો મોટો જથ્થો હોવાના કારણે આગે ઝડપથી સમગ્ર શો-રૂમને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગ સાથે ઉઠેલા કાળા ધુમાડાના ગોટેગોટા બિલ્ડિંગના ઉપરના માળ સુધી પ્રસરી જતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો,ઘટના સમયે બીજા અને ત્રીજા માળે બે પરિવારો ફસાઈ ગયા હતા. નીચે આગ અને ધુમાડાના કારણે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જતાં પરિવારોના સભ્યો બારીઓ અને ગેલેરીમાંથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 8થી વધુ ફાયર ફાઈટર વાહનો અને મોટી સંખ્યામાં જવાનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ફાયર ટીમે આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો, જ્યારે બીજી તરફ બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.
પરિસ્થિતિની ગંભીરતા જોતા ફાયર વિભાગે ટર્ન ટેબલ લેડર મશીનનો ઉપયોગ કર્યો હતો. હાઈડ્રોલિક સીડીની મદદથી જવાનો સીધા ઉપરના માળ સુધી પહોંચ્યા અને ફસાયેલા લોકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 20થી વધુ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગની ઝડપી અને સમયસર કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની કામગીરી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.