પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી ઈજા પહોંચાડનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ
ફરાર આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસની વિવિધ ટીમો મેદાને, વધુ ધરપકડની શક્યતા
ડભોઈ, તા. 8
ડભોઈમાં ગત સપ્તાહે બે જૂથો વચ્ચે થયેલી મારામારીના બનાવ બાદ સમાધાન પ્રક્રિયા દરમિયાન પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ અને તેમને આશરો આપનાર સામે ડભોઈ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હાઈ-પ્રોફાઈલ ગણાતા આ કેસમાં આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓ સક્રિય બની છે.
મળતી માહિતી મુજબ, બે જૂથો વચ્ચે થયેલા વિવાદ બાદ પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે એક જૂથનું ઉપરાણું લઈને કેટલાક શખ્સોએ મહુડીભાગોળ વિસ્તારમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓનો વિરોધ કર્યો હતો. “આપણા જ લોકોને શા માટે પકડો છો?” કહીને ઉશ્કેરાયેલા ટોળાએ બે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો સહિત હુમલો કર્યો હતો, જેમાં બંને પોલીસકર્મીઓને શારીરિક ઈજાઓ પહોંચી હતી. ઘટનાનો લાભ લઈને કેટલાક આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી વારીસ અલી સૈયદને આશરો આપનાર તેના જમાઈ ઈક્રામ હુસેન કાજીને પણ પોલીસે વિવિધ ટીમોની મદદથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ડભોઈ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 109(1), 189(2), 190, 191(2), 191(3), 115(2), 221 અને 121(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ પર હુમલો કરનાર તેમજ આરોપીઓને આશરો આપનાર તમામ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસની કામગીરી સતત ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ધરપકડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર : દીપક જોશી