Vadodara

પિતાની નિવૃત્તિના પૈસાનો હિસાબ લોહીયાળ બન્યો, કવાંટમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરાના કલાલીમાં રહેતા વિજયભાઈ રાઠવા પિતાના રીટાયરમેન્ટના નાણાંની વહેંચણી માટે વતન ગયા હતા, ભાઈઓ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.9

વડોદરા :- પૈસાની લાલચ અને પારિવારિક વિખવાદમાં વધુ એક વખત લોહીના સંબંધો લજવાયા છે. પિતાની નિવૃત્તિ બાદ મળેલા નાણાંના હિસાબ અને વહેંચણી બાબતે સગા ભાઈઓ વચ્ચે થયેલો વિવાદ આખરે હત્યામાં પરિણમ્યો છે. વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાઠવા નામના શખ્સ પર તેમના જ સગા ભાઈએ માથાના ભાગે જીવલેણ હુમલો કરતા, સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે સગા ભાઈ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત એવી છે કે, વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલી ચાણક્ય નગરીમાં વિજયભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તાજેતરમાં તેમના પિતાજી સરકારી સેવામાંથી નિવૃત્ત થયા હોવાથી, તેમને નિવૃત્તિના મળેલા પૈસાના હિસાબ-કિતાબ અને વહેંચણી માટે વિજયભાઈ પોતાના વતન કવાંટ ખાતે ગયા હતા. જ્યાં પરિવારના સભ્યો અને ભાઈઓ વચ્ચે પૈસાની બાબતે ચર્ચા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક મામલો બિચક્યો હતો. ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. આ ઉગ્ર ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલા સગા ભાઈએ વિજયભાઈ પર ઘાતક હુમલો કરી દીધો હતો. ભાઈએ વિજયભાઈના માથાના ભાગે ગંભીર ફટકા મારી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા કવાંટ પોલીસે તાત્કાલિક ધોરણે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પરિવાજનોના નિવેદન નોંધીને ફરાર આરોપી ભાઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ત્યારબાદ વિજયભાઈને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાના કારણે તેમની તબિયત વધુ લથડી હતી. જેથી ફરજ પરના તબીબોની સલાહ અનુસાર તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાત્રિના સમયે વિજયભાઈએ અંતિમ શ્વાસ લેતા હોસ્પિટલ પરિસરમાં જ પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે વિજયભાઈના પાર્થિવ દેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top