Vadodara

વડોદરા : તાંત્રિક વિધિ કરીને પ્રેમી પાછો અપાવવાના બહાને ફેશન ડિઝાઈનર યુવતીને ઠગે રૂ.3.66 લાખનો ચૂનો ચોપડયો

સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા મિત્રે
તંત્ર-મંત્રની વિધીનો વિશ્વાસ અપાવી રોકડ, લોનની રકમ અને ઘરેણાં હડપ્યાં

કરજણની ફેશન ડિઝાઇનિંગ વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ પોલીસ તપાસમાં જોતરાઈ

વડોદરા, તા. 9

સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા બાદ તંત્ર-મંત્રની વિધી દ્વારા ભૂતકાળના પ્રેમીને ફરી જીવનમાં પરત લાવી આપવાનો ભરોસો આપી એકઠગ યુવકે કરજણની યુવતી સાથે રૂ.3.66 લાખની પડાવી લીધા હતા. રોકડ રૂપિયા, ઓનલાઈન લોનની રકમ અને સોના-ચાંદીના દાગીના મેળવી લીધા બાદ આરોપીએ વચન મુજબ પરત ન આપતો હોય આખરે યુવતીએ પોલીસનો આશરો લીધો છે.
કરજણમાં રહેતી અને વડોદરાની ખાનગી સંસ્થામાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી 28 વર્ષીય યુવતીને સપ્ટેમ્બર 2025 દરમિયાન સોશિયલ મીડિયા પર જયંત વસાવા નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ હતી અને બાદમાં મોબાઇલ નંબરની આપ-લે થતાં તેઓ વડોદરામાં રૂબરૂ મળ્યા હતા.
મુલાકાત દરમિયાન જયંતે પોતે ખાનગી બેંકમાં ફાઇનાન્સર તરીકે નોકરી કરતો હોવાનું જણાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. વાતચીત દરમિયાન યુવતીએ પોતાના ભૂતકાળના પ્રેમ સંબંધ અને બ્રેકઅપ અંગે વાત કરતાં આરોપીએ તંત્ર-મંત્ર તથા વિશેષ વિધી દ્વારા તેના પૂર્વ પ્રેમીને ફરી તેના જીવનમાં લાવી શકાય તેવી વાતો કરી યુવતીના વિશ્વાસ કેળવ્યો હતો.
આરોપીએ શરૂઆતમાં વિધીના ખર્ચ પેટે રૂ.30 હજારની માંગણી કરી હતી. યુવતીએ ઓક્ટોબર 2025માં રોકડ રકમ આપી હતી. ત્યારબાદ વધુ ખર્ચ હોવાનું કહી આરોપીએ યુવતીના મોબાઇલમાં લોન એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઓનલાઈન લોન પણ લેવડાવી હતી અને તે રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આટલું જ નહીં, આરોપીએ બાદમાં સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં બોલાવી વિધી પૂર્ણ કરવા માટે વધુ નાણાંની જરૂર હોવાનું જણાવ્યું હતું. યુવતી પાસે રોકડ ન હોવાથી તેણે સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકવાની સલાહ આપી હતી. વિધી પૂર્ણ થતાં તમામ દાગીના પરત આપી દેવાની ખાતરી આપતાં યુવતી તેના વિશ્વાસમાં આવી ગઈ હતી.
ઓક્ટોબરથી ડિસેમ્બર-2025 દરમિયાન આરોપીએ તબક્કાવાર સોનાની બુટ્ટી, ચેઇન, વીંટી, પેન્ડન્ટ, કડીઓ સહિત ચાંદીના વિવિધ ઘરેણાં મેળવી ગીરવે મૂકી રૂ.3.66 લાખ જેટલી યુવકે જ લઈ લીધી હતી.
જોકે લાંબો સમય વીતી જવા છતાં આરોપીએ ન તો દાગીના પરત આપ્યા અને ન તો તેની કિંમત ચૂકવી. વારંવાર ઉઘરાણી કરવા છતાં સંતોષકારક જવાબ ન મળતાં યુવતીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જયંત પ્રવીણભાઈ વસાવા સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર પ્રકરણની વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top