Trending

કાશીમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ, 100 કરોડના ખર્ચે વિકસશે ભવ્ય શિવ થીમ ઓક્સિજન પાર્ક

ભગવાન શિવની પવિત્ર નગરી કાશી હવે વધુ એક વિશ્વસ્તરીય ઓળખ મેળવવા જઈ રહી છે. વડાપ્રધાન Narendra Modiના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ સ્થાપિત કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ શરૂ થઈ ગયું છે. શહેરના ભેલૂપુર વિસ્તારમાં 20 એકર જમીન પર આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ શિવ થીમ આધારિત ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવશે, જેને રાજ્ય સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે

મળતી માહિતી અનુસાર, આ પાર્કમાં સ્થાપિત થનાર શિવલિંગની ઊંચાઈ અંદાજે 130 ફૂટ રહેશે, જે હાલ વિશ્વમાં આવેલા અન્ય માનવ નિર્મિત શિવલિંગોથી પણ વધુ ઊંચું હશે. પાર્કનું નિર્માણ આગામી 8થી 9 મહિનામાં પૂર્ણ કરવાની યોજના છે અને તે કાશીના આધ્યાત્મિક તથા પર્યટન વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

શિવ થીમ આધારિત આ અર્બન પાર્કમાં માત્ર વિશાળ શિવલિંગ જ નહીં પરંતુ આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. શિવલિંગની આસપાસ વિશાળ વોકિંગ ટ્રેક, લેઝર શો, બાળકો માટે હાઈટેક રમતોના સાધનો, ઓપન આર્ટ ગેલેરી, ફૂડ કોર્ટ અને હરિયાળાભર્યો ઓક્સિજન ઝોન વિકસાવવામાં આવશે. અહીં મુલાકાતીઓ આધ્યાત્મિકતા સાથે કુદરતી વાતાવરણનો પણ આનંદ માણી શકશે.

આ ઉપરાંત પાર્કમાં ડિજિટલ મ્યુઝિયમ અને પ્લેનેટોરિયમ બનાવવાની પણ યોજના છે. ડિજિટલ મ્યુઝિયમમાં કાશીની પ્રાચીન સંસ્કૃતિ, ઐતિહાસિક મંદિરો અને પૌરાણિક ગાથાઓને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરવામાં આવશે. જ્યારે પ્લેનેટોરિયમ બાળકો અને યુવાનોને ખગોળશાસ્ત્ર તથા બ્રહ્માંડ વિજ્ઞાન સાથે જોડશે.

નગર નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર પાર્કની રચના “શિવ તત્વ”ની થીમ પર આધારિત હશે, જેથી અહીં આવતા લોકોને આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થઈ શકે. સાથે જ વડીલો માટે લાઈબ્રેરી, વિશાળ પાર્કિંગ, ફૂડ પ્લાઝા અને અન્ય જાહેર સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાલમાં કેરળનું 111 ફૂટ ઊંચું મહાલિંગમ અને બિહારમાં સ્થાપિત 33 ફૂટનું વિશાળ શિવલિંગ ચર્ચામાં છે, પરંતુ વારાણસીમાં બનનાર 130 ફૂટનું શિવલિંગ આ તમામ રેકોર્ડને પાછળ છોડી દેશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કાશી વિશ્વના આધ્યાત્મિક અને ધાર્મિક પર્યટન નકશા પર વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.

Most Popular

To Top