ભારત અને ઈઝરાયલ વચ્ચેના વધતા સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂતી આપતા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ ઈઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ જાહેરાત ઈઝરાયલના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ યાનિવ રેવાચ દ્વારા કરવામાં આવી છે, જેને બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રતિક ગણાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, શિવરાજ્યાભિષેક દિવસના અવસરે યોજાયેલી મુલાકાત દરમિયાન યાનિવ રેવાચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી Devendra Fadnavis સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન ઈઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પણ આ પ્રોજેક્ટ માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.
ઈઝરાયલના રાજદ્વારી વર્તુળોનું માનવું છે કે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેમની શૌર્યગાથા, વ્યૂહરચના, સારા શાસન અને સ્વરાજ્યની વિચારધારા આજે પણ અનેક દેશો માટે પ્રેરણારૂપ છે. આ જ કારણસર ઈઝરાયલે તેમની સ્મૃતિને સન્માન આપવા માટે પોતાના દેશના એક મોટા શહેરમાં ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટનું ખાસ કનેક્શન ભારત-ઈઝરાયલ મિત્રતા સાથે જોડાયેલું છે. ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિમા માત્ર એક સ્મારક નહીં પરંતુ બંને દેશોના લોકો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ મજબૂત બનાવવાનું માધ્યમ બનશે. સ્મારક દ્વારા ઈઝરાયલના નાગરિકોને છત્રપતિ શિવાજી મહારાજના જીવન, તેમના સંઘર્ષ અને તેમના ઐતિહાસિક યોગદાન વિશે જાણવાની તક મળશે. હાલમાં પ્રતિમા કયા શહેરમાં સ્થાપિત થશે અને તેની ઊંચાઈ કે ડિઝાઇન કેવી હશે તે અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે ઈઝરાયલના કોન્સુલ જનરલે સંકેત આપ્યો છે કે આ લાંબા ગાળાનો પ્રોજેક્ટ હશે અને તેને ઈઝરાયલના મહત્વના શહેરમાં સ્થાપિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વના અનેક દેશોમાં પહેલેથી જ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત છે. હવે ઈઝરાયલમાં પણ તેમની પ્રતિમા ઊભી થવાથી મહારાજની વૈશ્વિક ઓળખને વધુ એક નવું પરિમાણ મળશે. સાથે જ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને પણ નવી ઊંચાઈ મળશે.