સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં સોમવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 9 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં કેટલાક ભારતીય શ્રમિકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મિનીબસના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, ભારતીય શ્રમિકોને લઈને જઈ રહેલી એક મિનીબસ રસ્તા પર અચાનક ઉભી રહી ગયેલી ટ્રક સાથે પાછળથી જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5ની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દુબઈ પોલીસના ટ્રાફિક વિભાગે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે ટ્રક રસ્તાની વચ્ચે અચાનક બંધ પડી ગઈ હતી. ત્યારબાદ પાછળથી આવી રહેલી મિનીબસ ટ્રક સાથે અથડાઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર બસ ચાલક સુરક્ષિત અંતર જાળવવામાં નિષ્ફળ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. અકસ્માત બાદ બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. પોલીસ, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ ઘટનાને લઈને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસે જણાવ્યું કે અકસ્માતમાં ભારતીય શ્રમિકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. ભારતીય અધિકારીઓએ હોસ્પિટલમાં જઈને ઘાયલ ભારતીયોની મુલાકાત લીધી છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહીને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. દૂતાવાસે વધુમાં જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોને દરેક શક્ય મદદ આપવામાં આવશે. સાથે જ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ભારે વાહનો પાછળ સુરક્ષિત અંતર જાળવવાની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કર્યા છે. દુબઈ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.