World

ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ, 32નાં મોત; સુનામી બાદ 138 આંચકા

ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હજુ ચાલુ છે. ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક સમુદ્રમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા દેશના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. અનેક વેપારી સંકુલો, ઓફિસો અને દુકાનોમાં તિરાડો પડી ગઈ હતી, જ્યારે કેટલીક નાની ઇમારતો આંશિક રીતે ધરાશાયી થઈ ગઈ હતી.

ભૂકંપ બાદ સુનામી પણ આવી હતી. દરિયામાં 1.4 મીટર એટલે કે લગભગ 4.5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ઇન્ડોનેશિયા, મલેશિયા અને જાપાન સહિત અનેક દેશોએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જોકે સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ થોડા કલાકોમાં કેટલીક ચેતવણીઓ પાછી ખેંચી લેવામાં આવી હતી. સૌથી વધુ નુકસાન જનરલ સેન્ટોસ શહેરમાં નોંધાયું છે. આશરે 7 લાખની વસ્તી ધરાવતા આ બંદર શહેરમાં અનેક ઇમારતોમાં તિરાડો પડી ગઈ હતી, કેટલીક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને એક પુલને પણ નુકસાન પહોંચ્યું હતું. અહીં અનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક બે માળની શાળાની ઇમારતને પણ ભારે નુકસાન થયું છે. શાળાઓ ફરી શરૂ થયાના પ્રથમ જ દિવસે આ કુદરતી આપત્તિ સર્જાતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અનેક વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે કેટલાક બાળકો ડરના કારણે બેભાન થઈ ગયા હતા.

મુખ્ય ભૂકંપ પછી પણ સ્થિતિ શાંત થઈ નથી. સ્થાનિક ભૂકંપ નિરીક્ષણ એજન્સીના જણાવ્યા અનુસાર માત્ર બે કલાકની અંદર 138 આફ્ટરશોક નોંધાયા હતા. આ આંચકાઓની તીવ્રતા 1.3થી 6.7 વચ્ચે રહી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આવા આફ્ટરશોક ઘણા દિવસો અથવા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે અને પહેલાથી જ નબળી પડી ગયેલી ઇમારતો માટે વધુ જોખમ ઊભું કરી શકે છે. ભૂકંપની અસર ફિલિપાઇન્સની બહાર પણ જોવા મળી હતી. ઇન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા, જ્યારે મલેશિયા અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ સાવચેતીરૂપે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રશાંત મહાસાગરના કેટલાક ટાપુ વિસ્તારોમાં પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી તેજ કરવા સૂચના આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલુ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ દળો સતત કાર્યરત છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને જાપાન વિશ્વના સૌથી સક્રિય ભૂકંપીય વિસ્તાર ગણાતા ‘રિંગ ઓફ ફાયર’માં આવેલા છે. આ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટોની સતત હિલચાલને કારણે વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આપત્તિઓ સર્જાતી રહે છે. આ જ કારણ છે કે ફિલિપાઇન્સ વિશ્વના સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશોમાં સામેલ છે.

Most Popular

To Top