Gujarat

પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ: બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ પણ ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત્ છે, પરંતુ હવે ચોમાસાના આગમનના સંકેતો દેખાવા લાગ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમીરગઢ, ઈકબાલગઢ, પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં વાદળો ઘેરાતા વરસાદી માહોલ સર્જાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન સૂકું રહ્યું હતું, પરંતુ આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. હાલ બાજરી, મગફળી સહિતના કેટલાક પાક તૈયાર હાલતમાં હોવાથી અચાનક વરસાદ પડે તો નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો પાકને સુરક્ષિત રાખવા માટે આગોતરા તૈયારીમાં લાગી ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જૂને અમદાવાદમાં રાજ્યનું સૌથી વધુ 42.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ પ્રિ-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં 9 અને 10 જૂને ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમ જ દમણ, દાદરા અને નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 11 જૂને સુરત, નર્મદા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

12 જૂનથી વરસાદી પ્રવૃત્તિનો વિસ્તાર વધવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવ વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

દેશભરમાં પણ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ચોમાસું 13 રાજ્યો સુધી પહોંચી ગયું છે અને હવે તેલંગાણામાં પણ પ્રવેશી ચૂક્યું છે. પશ્ચિમ કિનારે ચોમાસું મુંબઈથી માત્ર અંદાજે 150 કિલોમીટર દૂર છે અને આગામી 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. હાલ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના વધુ વિસ્તારોમાં ચોમાસું સક્રિય બન્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ પણ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ગુજરાતમાં હાલ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે.

Most Popular

To Top