આજે CM ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપના ચાર નવા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા.
ગાંધીનગર
ગુજરાતની રાજનીતિને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણીને લઈ આજે ભાજપના ચારેય ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્ર દાખલ કર્યા. ખાસ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી નોંધાવવાની તૈયારી સાથે પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શનના પણ સંકેતો આપવામાં આવ્યા છે.
ક્યારે યોજાશે મતદાન ?
ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થવાને કારણે આગામી 18 જૂને મતદાન યોજાવાનું છે. તે પહેલાં ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને ચૂંટણીની તૈયારીઓને અંતિમ તબક્કામાં પહોંચાડી દીધી છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાજ્યમાંથી ચાર નેતાઓને રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર ખાલી પડનારી બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝરિયાને રાજ્યસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના પ્રચંડ બહુમતને જોતા ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં કડીના વતની અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ પ્રભારી તરીકે કામગીરી સંભાળતા રાજુ શુક્લાનો સમાવેશ થાય છે. તેઓ અગાઉ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના સભ્ય રહી ચૂક્યા છે અને લાંબા સમયથી સંઘ અને સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની મુકેશ રાઠવા આદિવાસી સમાજમાંથી આવતા યુવા નેતા છે. તેઓ હાલમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
દ્વારકાના વતની જીતેન્દ્ર કણઝરિયા પણ સંગઠનના સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે. તેઓ દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચૂક્યા છે અને સંગઠન તેમજ સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિમાં સક્રિય રહ્યા છે.
ગીર સોમનાથના વતની માનસિંહ પરમાર હાલમાં ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની પસંદગી સાથે ભાજપે વધુ એક વખત બક્ષીપંચ સમાજના નેતાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે. અગાઉ પણ બક્ષીપંચ મોરચાના નેતા મયંક નાયકને રાજ્યસભામાં તક આપવામાં આવી હતી.
રાજકીય વિશ્લેષકોના મતે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં સામાજિક અને પ્રાદેશિક સમીકરણોને ખાસ મહત્વ આપ્યું છે. ચાર ઉમેદવારોમાં એક આદિવાસી, એક બ્રાહ્મણ અને બે અન્ય પછાત વર્ગ (OBC)ના પ્રતિનિધિઓને સ્થાન આપીને વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ચૂંટણીમાં ભાજપે ‘નો રિપીટ થિયરી’ અપનાવી હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે. હાલ રાજ્યસભામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતા રમીલાબેન બારા, નરહરિ અમીન અને રામ મોકરિયાને ફરી ઉમેદવારી આપવામાં આવી નથી. જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે.હવે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય તેવી સંભાવના છે. જેના પગલે ગુજરાતમાંથી કોંગ્રેસનો એકડો નીકળી જશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. ત્યારબાદ ઉમેદવારીપત્રોની ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો વિપક્ષ અથવા અન્ય કોઈ પક્ષ ઉમેદવાર નહીં ઉતારે તો ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવશે.
ભાજપે ઉમેદવારી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી છે. રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક યોજાશે, જ્યારે સોમવારે ઉમેદવારો ઉમેદવારીપત્ર દાખલ કરશે. મુખ્યમંત્રી, મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ આ પ્રસંગે હાજર રહે તેવી શક્યતા છે. રાજકીય નિરીક્ષકોના મતે આ ચૂંટણી બાદ રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સમાપ્ત થવાની સંભાવના પણ ઉભી થઈ છે.
યુવા ચહેરા અને સામાજિક – જ્ઞાતિના સમીકરણોને અપાયું મહત્વ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં યુવા નેતૃત્વ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, પાયાના કાર્યકરોને તક, શિક્ષણ અને સામાજિક સમીકરણોને પ્રાધાન્ય આપ્યું હોવાનું માનવામાં આવે છે. ભાજપે રાજ્યસભા માટે જિતેન્દ્ર કણજારિયા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને રાજુભાઈ શુક્લાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ચારેય ઉમેદવારો વિવિધ સામાજિક વર્ગો અને પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે.ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષિત, યુવા અને સંગઠનનિષ્ઠ કાર્યકરોને સંસદમાં મોકલવાની પાર્ટીની નીતિ અનુસાર આ પસંદગી કરવામાં આવી છે.
રાજુભાઈ શુક્લાને અનુભવના આધારે તક
મહેસાણા જિલ્લાના કડીના વતની રાજુભાઈ શુક્લા ભાજપના અનુભવી અને પીઢ કાર્યકર તરીકે જાણીતા છે. સંઘ પરિવાર સાથે પણ ગાઢ ઘરોબો ધરાવે છે. 62 વર્ષીય શુક્લા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને પક્ષના વિવિધ સંગઠનાત્મક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેમણે એમ.કોમ. અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે અને સંગઠન પ્રત્યેની લાંબી સેવાઓ બદલ તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
જિતેન્દ્ર કણજારિયા યુવા ચહેરો
39 વર્ષીય જિતેન્દ્ર કણજારિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની છે અને ભાજપના યુવા કાર્યકર તરીકે ઓળખ ધરાવે છે. તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. સથવારા સમાજ (ઓબીસી)માંથી આવતા કણજારિયા શિક્ષિત અને સંગઠનના સક્રિય કાર્યકર તરીકે જાણીતા છે.
માનસિંહ પરમારને સંગઠન કાર્યનો અનુભવ
ગીર-સોમનાથ જિલ્લાના વતની અને કારડિયા રાજપૂત સમાજના યુવા આગેવાન માનસિંહ પરમાર હાલ ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. 45 વર્ષીય પરમાર અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. તેમણે અમદાવાદની નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ. કર્યું છે અને હાલમાં એલએલએમનો અભ્યાસ કરી રહ્યા છે.
મુકેશ રાઠવા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરશે
છોટાઉદેપુર જિલ્લાના વતની અને 39 વર્ષીય મુકેશ રાઠવા આદિવાસી સમાજના યુવા નેતા તરીકે ઓળખાય છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર છે અને પ્રદેશ યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે આર્ટ્સમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં એલએલબીનો અભ્યાસ કરી રહ્યા છે.