Karjan

કંડારીની નવીનગરીમાં તસ્કરોનો તરખાટ: 25 લાખના ઘરેણાંની ચોરીથી ખળભળાટ

ઘરમાલિક બહાર જતા તસ્કરોએ તોડ્યો ઘરમાં પ્રવેશનો માર્ગ, 12 તોલા સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, આરોપીઓ સુધી પહોંચવા ડોગ સ્કોડની મદદ લેવાશે

કરજણ, તા. 8
કરજણ તાલુકાના કંડારી ગામની ગૌચરમાં આવેલી નવીનગરીમાં ચોરીની મોટી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી આશરે 25 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, નવીનગરી વિસ્તારમાં રહેતા રમણભાઈ માધવભાઈ મકવાણા પોતાના સગાસંબંધીઓની ખબર-અંતર લેવા માટે ઘર બહાર ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરના સ્ટોપર તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રાખેલા આશરે 12 તોલા સોના-ચાંદીના કિંમતી ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

મકાન માલિકના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે અંદાજે 9 થી 9:30 વાગ્યાની વચ્ચે બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોરી થયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે 25 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ચોરી કરનાર તસ્કરો સુધી પહોંચવા માટે ડોગ સ્કોડની મદદ લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય તકનીકી પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.

આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની વધતી ઘટનાઓને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓને ઝડપવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

રિપોર્ટર: મુકેશ અઠોરા

Most Popular

To Top