સ્કૂલ યુનિફોર્મ, બેગ, શૂઝ-મોજાના ભાવમાં 10% સુધીનો વધારો
નવું સત્ર શરૂ થાય તે પહેલાં ખરીદી માટે દુકાનોમાં વાલીઓની ભીડ
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ઈંધણના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે વાલીઓના ખિસ્સા પર પડી રહી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ સ્કૂલ યુનિફોર્મ, બેગ, શૂઝ અને મોજા સહિતની શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં 10% સુધીનો વધારો ઝીંકાયો છે.
કાચા માલની આયાત મોંઘી થઈ છે. કાપડ, પોલિએસ્ટર, રબર અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધ્યા છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ઈંધણના ભાવ વધતા ઉત્પાદનથી લઈને છૂટક વેચાણ સુધી દરેક તબક્કે ખર્ચ વધ્યો છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ખોરવાતા માલની અછત પણ વર્તાઈ રહી છે, જેના કારણે ભાવવધારો અનિવાર્ય બન્યો છે. શર્ટ-પેન્ટ અને સ્કર્ટના સેટમાં ગત વર્ષની સરખામણીએ 80 થી 150 રૂપિયા સુધીનો વધારો. બ્રાન્ડેડ બેગમાં 100 થી 250 રૂપિયા મોંઘી થઈ. સ્કૂલ શૂઝની જોડી 70 થી 120 રૂપિયા અને મોજાના ભાવમાં 10 થી 20 રૂપિયા પ્રતિ જોડીનો વધારો. એક અંદાજ મુજબ, એક બાળકના યુનિફોર્મ, બેગ, શૂઝ, મોજા અને વોટર બોટલ સહિતની પ્રાથમિક ખરીદીમાં વાલીઓને ગત વર્ષ કરતા 500 થી 800 રૂપિયા વધારે ખર્ચ કરવા પડી રહ્યા છે. જૂનના બીજા સપ્તાહથી શાળાઓમાં નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. ભાવ હજુ વધશે તેવી દહેશતથી વાલીઓ અત્યારથી જ ખરીદી કરવા દુકાનોમાં ઉમટી પડ્યા છે. રાજકોટના ગાંધીચોક, જૂની સિવિલ હોસ્પિટલ રોડ અને કાલાવડ રોડ પર આવેલી યુનિફોર્મ અને સ્ટેશનરીની દુકાનોમાં સવારથી સાંજ સુધી ભારે ભીડ જોવા મળી રહી છે. વાલીએ જણાવ્યું કે, દર વર્ષે મોંઘવારી વધે છે, પણ આ વખતે તો બધું જ 10% મોંઘુ થઈ ગયું. બે બાળકો હોય તો 1500-2000 રૂપિયાનો વધારાનો બોજો પડે છે. વડોદરાના વેપારી અમિતભાઇનું કહેવું છે કે, કાચા માલના ભાવ વધતા નફો ઘટ્યો છે, છતાં ડિમાન્ડને પહોંચી વળવા સ્ટોક તૈયાર રાખ્યો છે. સત્ર શરૂ થયા બાદ ભાવ વધુ વધી શકે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.