અમદાવાદ: અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય કિશોરના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન અચાનક બ્લાસ્ટ થતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના ઓઢવ બ્રિજ પાસે રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA)નો અભ્યાસ કરી રહેલા યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન અચાનક વિસ્ફોટ થતાં તે પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વધુ વિગતો મુજબ મૃતક પોતાના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પરિવારની તમામ આશાઓ અને સપનાઓ તેના પર ટકેલી હતી. એકમાત્ર સંતાનના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સગા-સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ દુઃખદ ઘટનાથી ઓઢવમાં ગમગીની ફેલાઈ ગઈ છે.