અમદાવાદ, તા. 6
કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નીતિઓના કારણે દેશ અને ગુજરાતની જનતા આજે અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહી છે. ૨૦૧૪ની સરખામણીએ ૨૦૨૬માં જીવનજરૂરી ચીજવસ્તુઓ, ખાદ્ય પદાર્થો, દૂધ અને ઇંધણના ભાવોમાં બે ગણાથી ત્રણ ગણો વધારો થયો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોધવારીને કાબુમાં રાખવામાં નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર વૈશ્વિક પરિસ્થિતિને જવાબદાર ઠેરવી પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે.
પ્રદેશ કોગ્રેસાના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, ભાજપે “અચ્છે દિન”ના વાયદા કર્યા હતા, પરંતુ છેલ્લા ૧૨ વર્ષના શાસનમાં મોંઘવારી સતત વધતી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ચોખા, દાળ, ખાદ્ય તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્ય માણસની ખરીદ શક્તિ પર ગંભીર અસર પડી છે. ૨૦૧૪માં આશરે ૯૭ રૂપિયામાં મળતું રાઈનું તેલ આજે ૧૮૯ રૂપિયાને વટાવી ગયું છે, જ્યારે સોયાબીન તેલના ભાવ પણ બમણા થઈ ચૂક્યા છે. લોટ, દાળ, ચોખા અને દૂધ જેવી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ૫૦થી ૯૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨૩ રૂપિયાનો વધારો થયો છે.
એક તરફ બેરોજગારી ઐતિહાસિક સપાટીએ પહોંચી છે અને યુવાનો નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓ પર જીએસટી અને અન્ય કરનો બોજ વધારી સરકાર સામાન્ય જનતાને આર્થિક રીતે વધુ મુશ્કેલીમાં મૂકી રહી છે. સરકાર પોતાના ઉદ્યોગપતિ મિત્રોને લાભ પહોંચાડવા માટે સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરી રહી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને બહાનું બનાવી સરકાર મોંઘવારી નિયંત્રણમાં નિષ્ફળ રહી હોવાનું જણાવતાં ડૉ. હિરેન બેન્કરે વધુમાં કહ્યું હતુ કે ભાવ નિયંત્રણ અંગેની જાહેરાતો માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને વાસ્તવિક સ્થિતિમાં સામાન્ય લોકોને કોઈ રાહત મળી નથી. સરકાર તાત્કાલિક અસરથી ખાદ્ય પદાર્થો પરના કરમાં ઘટાડો કરે, સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરે તેમજ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા માટે સબસિડી આધારિત યોજનાઓ અમલમાં મૂકે. મોંઘવારીમાંથી જનતાને તાત્કાલિક રાહત આપવાની જરૂર છે, તેવી કોગ્રેસે માગણી કરી હતી.