Gujarat

મોટેરામાં AMCનું બુલડોઝર ફર્યુ

અમદાવાદ : અમદાવાદના મોટેરા ગામ તળ વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમની આસપાસના ગેરકાયદે બાંધકામો સામે અમદાવાદ મનપા દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાના એસ્ટેટ વિભાગે 36 જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી સામે સ્થાનિકોએ ભારે વિરોધ અને હોબાળા મચાવ્યો હતો, સ્થાનિકોનુ પોલીસ અને મનપા કર્મચારી સાથે ઘષર્ણ થયું હતું. ભારે વિરોધ વચ્ચે પણ ડિમોલીશનની કામગીરી ચાલી હતી, બીજી બાજુ પોલીસે વિરોધ રરી રહેલા સ્થાનિકોની અટકાયત કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ આજે સવારે મપના ટીમ શહેરના સાબરમતી મોટેરા ખાતે આવેલા આશારામ આશ્રમની આસપાસના દબાણો દૂર કરવા પહોંચ્યા હતા. મોટેરા ખાતેના આસારામ આશ્રમને નહીં પરંતુ આશ્રમના સાધકો અને અન્ય રહેવાસીઓ દ્વારા સરકારી ગામતળની જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામોને નિશાન બનાવી આ કાર્યવાહી કરવામાં આવી હતી. મનપા દ્વારા અગાઉ વિસ્તારની માપણી પૂર્ણ કર્યા બાદ સંબંધિત લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. મકાનો ખાલી કરવા માટે એક વર્ષ પહેલાં જ સૂચના આપવામાં આવી હતી.

મોટેરા આશારામ આશ્રમ આસપાસના ગેરકાયેદસર દબાણો તોડી પાડવા મનપાની ટીમ પહોંચી ત્યારે અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, તેમ છતાં મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રહેવાસીઓ દસ્તાવેજો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તોડફોડની કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા તંત્રે માઇક દ્વારા જાહેરાત કરીને લોકોને સામાન હટાવવા અને મકાન ખાલી કરવા માટે 30 મિનિટનો સમય આપ્યો હતો.

30 મનીટનો સમય પુરો થતાં મનપાના જેસીબી મશીનો દ્વારા તોડફોડ શરૂ કરવામાં આવી હતી. મકાનો તૂટતાં અનેક પરિવારો ભાવુક બની ગયા હતા, જ્યારે બાળકોના રડવાના દૃશ્યોએ વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું. વિરોધ દરમિયાન કેટલાક લોકોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. એક યુવકે આત્મવિલોપનની ધમકી આપતા પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી હતી. તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરવાના આરોપસર કેટલાક અન્ય સ્થાનિકોની પણ અટકાયત કરવામાં આવી હતી.

ડિમોલિશન દરમિયાન એક માતાએ પોતાની દીકરીની પરીક્ષા હોવા છતાં મકાન તોડી પાડવામાં આવ્યાનો આક્ષેપ કરતાં તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અનેક પરિવારો બેઘર બનતાં વિસ્તારમાં ભારે તંગદિલી, ગમગીની અને આક્રોશનો માહોલ સર્જાયો હતો.

બીજી તરફ મનપાના અધિકારીઓએ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યા હતુ કે ઈન્દિરા આવાસ યોજના હેઠળ ફાળવાયેલા પ્લોટોમાં નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. પ્લોટનો એક ચતુર્થાંશ ભાગ ખુલ્લો રાખવાની શરત હોવા છતાં રહેવાસીઓએ વધારાના ગેરકાયદે બાંધકામો ઊભા કર્યા હતા, જેના કારણે કાર્યવાહી અનિવાર્ય બની હતી. આ પરિસ્થિતિને પગલે સમગ્ર મોટેરા ગામતળ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Most Popular

To Top