સમલાયા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ટ્રેલર પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી ગઈ, કારનો કચરઘાણ નીકળ્યો, ગંભીર ઈજાગ્રસ્તો જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોસ્પિટલમાં દાખલ
(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરા જિલ્લાના સમલાયા ગામ પાસેથી પસાર થતા નવનિર્મિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ઇકો વાન ને અજાણ્યા વાહનની ટક્કરે આગળ જઈ રહેલા ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઇકો કારનો કચરઘાણ નીકળી ગયો હતો અને કારના પતરા ચીરીને અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો થંભી ગયા હતા અને ઘટનાસ્થળે કાળજું કંપાવી દે તેવી ચીસાચીસ ગુંજી ઉઠી હતી.
આ કાળમુખી ઇકો વાનમાં અંદાજે આઠ જેટલા લોકો સવાર હતા. આ તમામ મુસાફરો વડોદરાના ગોત્રી વિસ્તારના તેમજ અનપાળના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પર સર્જાયેલા આ કાળના તાંડવમાં ઘટનાસ્થળે જ ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને લોહીલુહાણ હાલતમાં ફસાયેલા લોકોને કારના પતરા તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોની ગંભીર હાલતને જોતા તેમને તાત્કાલિક ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. સ્થાનિક પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ચાર મૃતકોના નામ…
1) ગોપાલભાઈ
2) ગૌરીબેન સોલંકી
3) મફતભાઈ
4) પ્રકાશભાઈ
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકો ના નામ…
1) લક્ષ્મીબેન સોલંકી
2) ધર્મિષ્ઠાબેન