Vadodara

જેતલપુર રોડ પર મોડી રાત્રે કન્સ્ટ્રક્શન સાઇટ પર RCC નું કામ કરી રહેલા મજૂરો પર માટી પડતાં બે શ્રમિકો દટાયા

સુરક્ષાના સાધનો વિના મોડી રાત્રે કામ કરાવાતું હોવાના આક્ષેપ, કોન્ટ્રાકટર અને બિલ્ડર દ્વારા મજૂરોને સયાજી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા અનેક તર્કવિતર્ક

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

વડોદરા :- શહેરના જેતલપુર રોડ પર આવેલી એક નવી ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોડી રાત્રે આશરે 12:00 થી 12:30 વાગ્યાના અરસામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સાઇટ પર RCC નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક માટી ઘસી પડી હતી. આ અકસ્માતમાં ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો માટી નીચે દબાઈ ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ JCB મશીનની મદદથી માટી હટાવીને બંને શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, બંને મજૂરોને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેઓને વધુ સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા મજૂરોને સરકારી હોસ્પિટલમાંથી તાબડતોબ કોઈ ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેને પગલે સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ તેવા તર્કવિતર્કો શરૂ થયા છે.

શ્રમિકોની સુરક્ષાને લઈને સર્જાયેલા ગંભીર પ્રશ્નો વચ્ચે સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી અંગે સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કન્સ્ટ્રક્શન સાઇટો પર શ્રમિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top