Vadodara

જામ્બુઆ બ્રિજ પર કોલ્ડ્રિંક્સ ભરેલી ટ્રક પલટી, હાઈવે પર અફરાતફરી

નવનિર્મિત બ્રિજની કામગીરી વચ્ચે રાજસ્થાન પાસિંગની ટ્રક પલટી ખાતાં ટ્રાફિક જામ સર્જાયો

ચાલકનો આબાદ બચાવ થતાં તંત્રે લીધો રાહતનો શ્વાસ

(પ્રતિનિધિ), વડોદરા. તા.6

વડોદરાની હદમાંથી પસાર થતા અને સતત વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જામ્બુઆ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. બ્રિજના ચાલી રહેલા પહોળાકરણના કામકાજ દરમિયાન રાજસ્થાન પાસિંગની કોલ્ડ્રિંક્સ ભરેલી એક વિશાળ ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં ટ્રકના ચાલકનો આબાદ બચાવ થયો છે.

નેશનલ હાઈવે 48 પર આવેલો જામ્બુઆ બ્રિજ અત્યંત સાંકડો હોવાને કારણે અવારનવાર અકસ્માતો અને ટ્રાફિક જામ માટે બદનામ છે. વાહનચાલકોની લાંબા સમયની માંગ બાદ હાલમાં આ બ્રિજને પહોળો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બાંધકામને કારણે રસ્તો વધુ સાંકડો થયો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આજે આ જ નવનિર્મિત બ્રિજના કામકાજ વાળા વિસ્તારમાંથી પસાર થતી વખતે રાજસ્થાન પાસિંગની કોલ્ડ્રિંક્સની બોટલો ભરેલી ટ્રકના ચાલકે વળાંક પર કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે ટ્રક ધડાકાભેર રોડ પર જ આડી પલટી ખાઈ ગઈ હતી.

જામ્બુઆ બ્રિજ પર અવારનવાર થતા અકસ્માતોને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને નિયમિત મુસાફરોની માંગ છે કે, હાઈવે ઓથોરિટી દ્વારા આ નવનિર્મિત બ્રિજની કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા સાઇનબોર્ડ મૂકવામાં આવે અને આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં ન મુકાય.

Most Popular

To Top