વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે સ્વાગત માત્ર ભવ્ય જ નહીં, પર્યાવરણને સમર્પિત પણ બન્યું છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઈન્ડોર સ્ટેડિયમ સુધી હજારો લોકો સાયકલ લઈને નીકળતા સમગ્ર શહેરને જાણે ‘સાયકલ નગરી’માં ફેરવી દીધું. એટલુજ નહિ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવોએ સાયકલ ચલાવીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો છે.
આ વિશાળ સાયકલ રેલીમાં 5000થી વધુ સાયકલો જોડાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને શહેરના અગ્રણીઓ, ડાયમંડ ઉદ્યોગકારો, વિવિધ સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો
આ આયોજનનો મુખ્ય હેતુ માત્ર વડાપ્રધાનનું સ્વાગત કરવાનો નહોતો, પરંતુ ‘મિશન લાઈફ’ અને ‘ફિટ ઈન્ડિયા’ જેવા અભિયાનોને જનજન સુધી પહોંચાડવાનો પણ હતો. સાયકલનો ઉપયોગ કરીને લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો અને પ્રદૂષણ ઘટાડવાનો સંદેશ આપવામાં આવ્યો. રેલી દરમિયાન રસ્તાઓ પર ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો. લોકો હાથમાં પર્યાવરણ બચાવવાના સંદેશાવાળા પ્લેકાર્ડ લઈને જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં એકતા, દેશપ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો.
એક તરફ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત અને બીજી તરફ ગ્રીન ઇન્ડિયાનો સંદેશ… સુરતીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ માત્ર વિકાસમાં જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિમાં પણ દેશ માટે ઉદાહરણ બની શકે છે.