Gujarat

ફરજ દરમિયાન Instagram Reels બનાવનાર TRB જવાન સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ દળની શિસ્ત, ગૌરવ અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે હેતુસર ફરજ દરમિયાન સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવનાર એક TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાન સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, ટ્રાફિક શાખા રીજન-2 ખાતે ફરજ બજાવતા TRB જવાન પ્રભાતસિંહ ખુમાણસિંહ દ્વારા તા. 04 જૂન 2026ના રોજ પોતાની ફરજ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને Instagram એટ્લે કે સોસિયલ મિડયા પર Reels બનાવવામાં આવી હતી. ફરજના સમયે કરવામાં આવેલી આ પ્રવૃત્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે ટ્રાફિક પોલીસ તંત્રએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી.જે બાદ ઘટનાની જાણ થતાં જ મદદનીશ પોલીસ કમિશનર, રીજન-2 દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સંબંધિત જવાનનું વર્તન પોલીસ વિભાગની શિસ્ત અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારું છે તેમજ તે પોલીસ દળ માટે નક્કી કરાયેલા આચાર અને શિસ્તના નિયમોનો ભંગ કરે છે.

તપાસ અહેવાલના આધારે ટ્રાફિક પોલીસ વિભાગે કડક નિર્ણય લેતા પ્રભાતસિંહ ખુમાણસિંહનું નામ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવામાથી તાત્કાલિક અસરથી કમી (દૂર) કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમને ફાળવવામાં આવેલ ઓળખપત્ર તથા અન્ય સરકારી સાધનો પણ તાત્કાલિક અસરથી જમા લેવા આદેશ કરવામાં આવ્યો છે.સુરત ટ્રાફિક પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં કોઈપણ પોલીસ કર્મચારી અથવા માનદ સેવક ફરજ દરમિયાન શિસ્તભંગ કરે, સાથે જ સોશિયલ મીડિયા પર પોલીસ વિભાગની છબીને નુકસાન પહોંચાડે અથવા પોલીસ દળની ગૌરવગાથાને આંચકો પહોંચાડે તેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જોવા મળશે તો તેની સામે પણ આવી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસ વિભાગનો સંદેશ
આ કાર્યવાહી દ્વારા સુરત ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફરજ દરમિયાન બેદરકારી, સોશિયલ મીડિયા માટેની અનિચ્છનીય પ્રવૃત્તિઓ અને પોલીસ દળની શિસ્ત વિરુદ્ધના કોઈપણ કૃત્યને સહન કરવામાં આવશે નહીં. પોલીસ વિભાગની વિશ્વસનીયતા અને જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કડક શિસ્ત જાળવવી અનિવાર્ય હોવાનું તંત્રએ જણાવ્યું છે.

Most Popular

To Top