World

ચીન-પાકિસ્તાન માટે વધશે ચિંતા! ભારતને રશિયાની Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવાની મોટી ઓફર

ભારતીય વાયુસેના છેલ્લા ઘણા સમયથી પાંચમી પેઢીના એટલે કે ફિફ્થ જનરેશન સ્ટીલ્થ ફાઇટર જેટની શોધમાં છે. એવા સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારત માટે એક મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રસ્તાવ મૂક્યો છે. પુતિને કહ્યું છે કે રશિયા ભારત સાથે મળીને સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટનું ઉત્પાદન કરવા અને તેની ટેક્નોલોજી શેર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વૈશ્વિક મીડિયા સાથેની વાતચીત દરમિયાન પુતિને જણાવ્યું કે રશિયાને ભારત સાથે આ ક્ષેત્રમાં કામ કરવામાં કોઈ અડચણ નથી. તેમણે કહ્યું કે માત્ર ફાઇટર જેટ જ નહીં પરંતુ એર ડિફેન્સ સિસ્ટમ્સ જેવા ક્ષેત્રોમાં પણ બંને દેશો વધુ ગાઢ સહયોગ કરી શકે છે. ભારતીય વાયુસેનાની પાસે હજુ સુધી કોઈ પણ ફિફ્થ જનરેશન સ્ટીલ્થ ફાઇટર જેટ ઉપલબ્ધ નથી. બીજી તરફ, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં ચીન પાસેથી અત્યાધુનિક J-35AE સ્ટીલ્થ ફાઇટર જેટ મેળવી શકે છે. આ સ્થિતિમાં ભારત માટે અદ્યતન ફાઇટર જેટની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

ભારત હાલમાં પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ વિકસાવી રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં હજુ ઘણા વર્ષો લાગી શકે છે અને તે 2030ના દાયકાની મધ્યમાં સેવામાં જોડાય તેવી સંભાવના છે. તેથી આ વચ્ચે ઉભા થયેલા ગેપને ભરવા માટે ભારતીય વાયુસેના વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. પુતિને યાદ અપાવ્યું કે રશિયાએ વર્ષ 2018માં પણ ભારતને Su-57 આધારિત ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ (FGFA) પ્રોજેક્ટમાં ભાગીદાર બનવાની ઓફર કરી હતી. તે સમયે બંને દેશો સંયુક્ત રીતે આ વિમાન વિકસાવી શકે તેવી યોજના હતી. જોકે ભારતે બાદમાં આ પ્રોજેક્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

પુતિનના જણાવ્યા મુજબ, તે સમયે ભારતે રશિયાને પ્રોજેક્ટ આગળ વધારવા કહ્યું હતું અને ભવિષ્યમાં જોડાવાની શક્યતા ખુલ્લી રાખી હતી. હવે રશિયાએ ફરી એકવાર ભારતને આ પ્રોજેક્ટમાં સહભાગી બનવા આમંત્રણ આપ્યું છે. Su-57 રશિયાનું સૌથી આધુનિક સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ માનવામાં આવે છે. આ વિમાન હવામાં, જમીન પર અને દરિયાઈ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના મિશન પાર પાડી શકે છે. તેમાં અદ્યતન રડાર સિસ્ટમ, સ્ટીલ્થ ટેક્નોલોજી અને અત્યાધુનિક હથિયાર ક્ષમતાઓ સામેલ છે. તેને ચીનના J-35 અને અમેરિકાના F-35 જેવા વિમાનોની શ્રેણીમાં ગણવામાં આવે છે. ભારતે વર્ષ 2018માં આ પ્રોજેક્ટ છોડ્યો હતો કારણ કે ભારતીય વાયુસેનાને વિમાનની કેટલીક ક્ષમતાઓ અંગે પ્રશ્નો હતા. ખાસ કરીને સ્ટીલ્થ ટેક્નોલોજી, કામગીરી અને ટેક્નોલોજી ટ્રાન્સફર જેવા મુદ્દાઓ પર સંપૂર્ણ સહમતી બની નહોતી. પરંતુ હવે પુતિનના નિવેદન બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે રશિયા ભારતની ચિંતાઓ દૂર કરવા તૈયાર છે.

આ દરમિયાન અમેરિકા પણ ભારતને તેના અત્યાધુનિક F-35 સ્ટીલ્થ ફાઇટર જેટની ઓફર કરી ચૂક્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ આપ્યો હતો. જેના કારણે હવે ભારત સામે બે મોટા વિકલ્પો ઉભા થયા છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યના યુદ્ધોમાં સ્ટીલ્થ ટેક્નોલોજી નિર્ણાયક ભૂમિકા ભજવશે. જે વિમાન દુશ્મનના રડારમાં સરળતાથી પકડાતું નથી, તેને યુદ્ધમાં મોટો ફાયદો મળે છે. તેથી ભારત માટે આગામી વર્ષોમાં ફિફ્થ જનરેશન ફાઇટર જેટની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે.રશિયાની નવી ઓફર બાદ હવે નજર ભારત સરકાર અને વાયુસેનાના આગામી નિર્ણય પર ટકેલી છે. જો આ પ્રસ્તાવ આગળ વધે તો ભારતને માત્ર આધુનિક ફાઇટર જેટ જ નહીં, પરંતુ તેની ટેક્નોલોજી અને સ્થાનિક ઉત્પાદનનો પણ મોટો ફાયદો મળી શકે છે.

Most Popular

To Top