રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ચીન મુલાકાત પહેલાં જ બ્લેક સીમાં બનેલી એક ઘટનાએ વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ ડ્રોન હુમલા દરમિયાન ચીનની માલિકી ધરાવતા એક કાર્ગો જહાજને નિશાન બનાવ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પુતિન ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મહત્વપૂર્ણ બેઠક માટે બેઇજિંગ પહોંચવાના હતા. યુક્રેનના સીપોર્ટ્સ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, સોમવારે ઓડેસા વિસ્તાર તરફ જઈ રહેલા બે નાગરિક જહાજો પર રશિયાએ ડ્રોન હુમલો કર્યો હતો. આ જહાજોમાંથી એક ‘KSL ડેયાંગ’ નામનું કાર્ગો જહાજ હતું, જે ચીની માલિકીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ જહાજ માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ મુસાફરી કરી રહ્યું હતું. બીજું જહાજ ગિની-બિસાઉના ધ્વજ હેઠળ દરિયામાં હતું. યુક્રેનની નેવીના જણાવ્યા પ્રમાણે, રશિયાએ ‘શાહેદ’ ડ્રોન દ્વારા આ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટોગ્રાફમાં જહાજનો એક ભાગ બળી ગયેલો પણ જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. જહાજમાં હાજર ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ ઘટનાને લઈને સીધો રશિયા પર આરોપ મૂક્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે રશિયા સારી રીતે જાણતું હતું કે સમુદ્રમાં કયું જહાજ હાજર હતું. ઝેલેન્સ્કીના આ નિવેદન પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની ગઈ છે કે શું આ હુમલાથી રશિયા અને ચીનના સંબંધો પર કોઈ અસર પડશે?
આ ઘટના માત્ર એક જહાજ સુધી મર્યાદિત નહોતી. ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આખી રાત્રિ દરમિયાન યુક્રેન પર 524 ડ્રોન અને 22 મિસાઇલોથી ભારે હુમલા કર્યા હતા. તેમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલનો પણ સમાવેશ થતો હતો. ઓડેસા વિસ્તાર, જે યુક્રેનની કૃષિ નિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, છેલ્લા ઘણા સમયથી રશિયાના હુમલાનો કેન્દ્ર રહ્યો છે. ‘KSL ડેયાંગ’ જહાજ ખાલી હતું અને તે પિવડેની બંદરેથી આયર્ન ઓર લોડ કરવા માટે આગળ વધી રહ્યું હતું. યુક્રેનના નેવી પ્રવક્તા દિમિત્રો પ્લેટેનચુકે જણાવ્યું કે હુમલા બાદ જહાજના ક્રૂએ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને બાદમાં જહાજ પોતાની સફર આગળ વધારવામાં સફળ રહ્યું. આ સમગ્ર ઘટનાની સૌથી મોટી રાજકીય અસર એ છે કે તે પુતિનની ચીન મુલાકાત પહેલાં બની છે. ચીન અત્યાર સુધી આ યુદ્ધમાં પોતાને તટસ્થ દેશ તરીકે રજૂ કરતું આવ્યું છે. ચીન સતત શાંતિ વાટાઘાટોની અપીલ કરતું રહ્યું છે, પરંતુ તેણે ક્યારેય ખુલ્લેઆમ રશિયાની નિંદા કરી નથી. હવે જ્યારે ચીનની માલિકી ધરાવતા જહાજ પર હુમલાનો દાવો થયો છે, ત્યારે દુનિયાની નજર પુતિન અને શી જિનપિંગની બેઠક પર ટકેલી છે. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે એક નવો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું રશિયા અને ચીન વચ્ચેની નજીકની ભાગીદારી પર તેનો કોઈ પ્રભાવ પડશે કે પછી બંને દેશો આ મુદ્દાને રાજદ્વારી રીતે સંભાળી લેશે. હાલ તો આ હુમલો બ્લેક સીમાં વધતા તણાવ અને યુક્રેન યુદ્ધની ગંભીરતા વધુ સ્પષ્ટ કરે છે.