સવારે પાણી ભરવા ગયેલા સ્થાનિકોએ મૃતદેહ જોતા પોલીસને કરી જાણ
ફાયર ટીમે કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો, ઓળખ માટે પોલીસની તપાસ શરૂ
દાહોદ, તા. 4 : દાહોદ શહેરના રામાનંદ પાર્કથી ઇન્દોર હાઇવે તરફ જતા માર્ગ પર આવેલા એક ખેતરના કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, કાળુભાઈ માળીના ખેતરમાં આવેલા કૂવા પર આસપાસના લોકો સવારે પાણી ભરવા માટે ગયા હતા. તે દરમિયાન તેમની નજર કૂવામાં તરતા મૃતદેહ પર પડતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે દાહોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ટીમે સ્થળ પર પહોંચી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મૃતકની ઓળખ અંગે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઓળખ મળી ન આવતા મૃતક અજાણ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા તેમજ તેના મૃત્યુના કારણ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ