SURAT

‘આત્મનિર્ભર ભારતની મજાક ઉડાવનારા દેશને પાછળ રાખવા માગે છે’: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતાં વિકાસ, આત્મનિર્ભરતા, ઔદ્યોગિક વૃદ્ધિ અને તાજેતરના ચૂંટણી પરિણામોને લઈને અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા. તેમણે પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશ અરાજકતા અને નિરાશાની રાજનીતિને સ્વીકારતો નથી. મોદીએ સભામાં હાજર લોકોને સંબોધતા કહ્યું કે, “બંગાળનું નામ લેતા જ અહીં ઊર્જાનો માહોલ બની ગયો છે. થોડા સમય પહેલાં હું પાંચ દેશોની યાત્રા પર હતો, ત્યાં પણ બંગાળની જ ચર્ચા થઈ રહી હતી.” તેમણે ઉમેર્યું કે તાજેતરમાં ત્રણ રાજ્યોમાં NDAને મળેલા જંગી જનાદેશમાંથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે દેશ અરાજકતા, અનિશ્ચિતતા અને નિરાશાને પસંદ કરતો નથી.

આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કેટલાક નિરાશાવાદી લોકો સતત આ અભિયાનની મજાક ઉડાવે છે. તેમના શબ્દોમાં, આ એવા લોકો છે જેમણે વર્ષો સુધી ભારતને બીજા દેશો પર નિર્ભર રાખવાની માનસિકતા અપનાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં થયેલા વિકાસની ચર્ચા કરતાં મોદીએ જણાવ્યું કે સરકારે ઇથેનોલ બ્લેન્ડિંગની ક્ષમતામાં વધારો કર્યો છે. સાથે જ રેલવેના વિદ્યુતીકરણને નવી ગતિ આપવામાં આવી છે. પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વીજળીના ટ્રાન્સમિશન નેટવર્કનું આધુનિકીકરણ, ગેસ પાઇપલાઇન નેટવર્કનો વિસ્તાર અને દેશના બંદરોની ક્ષમતામાં વધારો જેવા અનેક પગલાં ભારતની પ્રગતિને નવી દિશા આપી રહ્યા છે.

હજીરા વિસ્તાર અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હજીરા હવે માત્ર એક ઔદ્યોગિક વિસ્તાર પૂરતો મર્યાદિત નથી રહ્યો. અહીં એનર્જી, સ્ટીલ, ડિફેન્સ પ્રોડક્શન, પોર્ટ અને ગ્લોબલ ટ્રેડ સાથે જોડાયેલી સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસી રહી છે. તેમના જણાવ્યા મુજબ, હજીરા દેશના સૌથી મોટા મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઉભરી રહ્યું છે અને ભવિષ્યમાં તેની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે.

ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા દાહોદ-બોડેલી-વાપી કોરિડોરનો પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો. મોદીએ જણાવ્યું કે આ કોરિડોરના કારણે તાપી, નર્મદા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોને ફોર-લેન કનેક્ટિવિટી મળશે. આથી આદિવાસી વિસ્તારો વધુ સારી રીતે ઉદ્યોગો સાથે જોડાશે અને સાથે જ પ્રવાસન ક્ષેત્રને પણ મોટો ફાયદો થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટ પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આરોગ્ય ક્ષેત્રમાં થયેલા વિકાસની વાત કરતાં પ્રધાનમંત્રીએ સુરતમાં નવી આધુનિક ESIC હોસ્પિટલના લોકાર્પણનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આ હોસ્પિટલ ખાસ કરીને શ્રમિકો અને તેમના પરિવારો માટે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત, અન્ય રાજ્યોમાંથી સુરતમાં રોજગારી માટે આવેલા લોકો અને તેમના પરિવારજનોને પણ આ સુવિધાનો લાભ મળશે. પ્રધાનમંત્રીના સંબોધનમાં વિકાસ, આત્મનિર્ભરતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર જોવા મળ્યો. તેમણે દેશના ઊર્જા, પરિવહન, આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિને ભારતની નવી શક્તિ તરીકે રજૂ કરી અને જણાવ્યું કે દેશ હવે આત્મવિશ્વાસ સાથે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યો છે.

Most Popular

To Top