અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે મતભેદોના અહેવાલો વચ્ચે હવે નેતન્યાહૂનું પ્રથમ મોટું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં બંને નેતાઓ વચ્ચે થયેલી ફોન વાતચીત દરમિયાન ટ્રમ્પે નેતન્યાહૂને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ટ્રમ્પે પોતે પણ સ્વીકાર્યું હતું કે તેઓ ઈઝરાયલના કેટલાક નિર્ણયોને લઈને નારાજ હતા. જોકે, હવે નેતન્યાહૂએ આ સમગ્ર વિવાદને વધુ મહત્વ ન આપતાં તેને ‘પરિવારમાં થતો સામાન્ય મતભેદ’ ગણાવ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો અગાઉની જેમ જ મજબૂત છે અને બંને દેશો વચ્ચે કોઈ ગંભીર તણાવ નથી.
નેતન્યાહૂએ જણાવ્યું કે, “અમારી વચ્ચે વ્યૂહાત્મક મુદ્દાઓ પર ક્યારેક મતભેદ થઈ શકે છે, પરંતુ તે સ્વાભાવિક છે. અમે સવારે કોઈ મુદ્દે અસહમત હોઈ શકીએ છીએ અને એ જ દિવસે બપોરે તેના ઉકેલ પર સહમત પણ થઈ જઈએ છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના સૌથી મોટા મિત્રોમાંથી એક છે અને બંને નેતાઓ વચ્ચે સતત સંપર્ક રહે છે. તેમના જણાવ્યા અનુસાર, તેઓ સરેરાશ દર બે દિવસે ટ્રમ્પ સાથે વાતચીત કરે છે. આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ લેબેનોનમાં ઈઝરાયલ દ્વારા શરૂ કરાયેલું નવું સૈન્ય અભિયાન હોવાનું માનવામાં આવે છે. અહેવાલો મુજબ, લેબેનોન સાથેના સીઝફાયર હોવા છતાં ઈઝરાયલે બેરૂત સહિતના વિસ્તારોમાં હવાઈ હુમલા તેજ કર્યા હતા. ઈઝરાયલના આ પગલાથી ઈરાન નારાજ થયું અને તેણે અમેરિકા સાથે ચાલી રહેલી મહત્વપૂર્ણ ચર્ચાઓને સ્થગિત કરવાની જાહેરાત કરી.
મિડલ ઇસ્ટમાં તણાવ ઘટાડવા અને ઈરાન સાથે સંભવિત સમજૂતી તરફ આગળ વધવા માટે અમેરિકા પ્રયત્નશીલ હતું. પરંતુ ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી બાદ વાતચીતની પ્રક્રિયા અટકી જતાં ટ્રમ્પ નારાજ થયા હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મુદ્દે ટ્રમ્પે ફોન પર નેતન્યાહૂ સમક્ષ પોતાની અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમ છતાં, નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચેની ભાગીદારી અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત છે અને કોઈ એક મુદ્દાને આધારે તેમાં તિરાડ આવી હોવાનું માનવું યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનો સંબંધ લાંબા સમયથી વિશ્વાસ અને સહકાર પર આધારિત રહ્યો છે અને તે આગળ પણ યથાવત રહેશે.