National

બિહારની મુઝફ્ફરપુર હોસ્પિટલ આગકાંડમાં નવો વિવાદ: પરિવારનો આરોપ- ‘મૃતદેહો છુપાવાયા’

બિહારના મુઝફ્ફરપુર સ્થિત પ્રસાદ હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગ બાદ હવે માત્ર અકસ્માત જ નહીં, પરંતુ હોસ્પિટલના સંચાલનને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલ તંત્ર અને કેટલાક અધિકારીઓએ શરૂઆતમાં મૃત્યુઆંક અને મૃતદેહોની માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે ઘટના બાદ સર્જાયેલી અફરાતફરી અને વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓને ખસેડવાના કારણે ગેરસમજ અને મૂંઝવણ ઉભી થઈ છે. આજે ગુરુવારે વહેલી સવારે લગભગ 2 વાગ્યે હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICU વિભાગમાં આગ લાગી હતી. આગ બાદ આખી ઇમારતમાં ઝડપથી ધુમાડો ફેલાઈ ગયો હતો. જોકે ફાયર વિભાગને ઘટનાની જાણ સવારે લગભગ 3:55 વાગ્યે થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચતા સુધી ICU સહિતના અનેક વિસ્તારો ધુમાડાથી ભરાઈ ચૂક્યા હતા. ફાયર ફાઇટર્સના જણાવ્યા મુજબ બચાવ કામગીરી દરમિયાન 10થી 15 જેટલા દર્દીઓને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર હતા, જ્યારે કેટલાકની કોઈ હિલચાલ જોવા મળતી ન હતી. હોસ્પિટલના પાંચમા માળે આવેલ ICU સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો, જ્યાં દર્દીઓ માટે બહાર નીકળવું લગભગ અશક્ય બની ગયું હતું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. જોકે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આગ કરતાં વધુ જાનહાનિ ઝેરી ધુમાડાના કારણે થઈ છે. ICU અને બંધ વોર્ડોમાં ધુમાડો ભરાઈ જતાં દર્દીઓ ગૂંગળાઈ ગયા હતા. ખાસ કરીને ઓક્સિજન સપોર્ટ પર રહેલા અને ગંભીર હાલતના દર્દીઓ માટે આ સ્થિતિ વધુ જીવલેણ સાબિત થઈ હતી.

ઘટના બાદ હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક પરિવારજનોએ દાવો કર્યો કે તેમના સ્વજનો ક્યાં છે તેની કોઈ સ્પષ્ટ માહિતી હોસ્પિટલ તરફથી આપવામાં આવી નહોતી. અનેક લોકો પોતાના દર્દીઓને શોધવા માટે હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને અન્ય હોસ્પિટલો વચ્ચે દોડધામ કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ તો સીધો આરોપ લગાવ્યો કે હોસ્પિટલ મૃતદેહોની સંખ્યા છુપાવી રહી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેને સ્વીકાર્યું કે ઘણા પરિવારજનો પોતાના દર્દીઓ ગુમ થયાની ફરિયાદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આગ બાદ અનેક દર્દીઓને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા હોવાથી શરૂઆતમાં દર્દીઓની ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ કારણે મૃત્યુઆંક અને દર્દીઓની સ્થિતિ અંગે ગૂંચવણ સર્જાઈ હતી. સત્તાવાર રીતે અત્યાર સુધી પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ઔરાઈના શશાંક કુમાર, કઠૈયાની ગીતા દેવી, શિવહરના ઉદય કુમાર, કૃષ્ણ નંદન અને ચંચલા કુમારીનો સમાવેશ થાય છે. જોકે પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે, કારણ કે કેટલાક દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર હતી.

બચાવ કામગીરીમાં સામેલ ફાયર વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે ICU સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. ધુમાડો એટલો ગાઢ હતો કે અંદર પ્રવેશતા જ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. દર્દીઓને બહાર કાઢવા માટે બારીઓ અને દરવાજા તોડવા પડ્યા હતા. ઘણા દર્દીઓને સ્ટ્રેચર વગર જ બહાર લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક પરિવારજનોએ આરોપ લગાવ્યો કે આગ લાગ્યા બાદ સ્ટાફના કેટલાક સભ્યો સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા અને દર્દીઓને બચાવવા માટે પૂરતી મદદ કરી નહોતી. જોકે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સંબંધીઓએ દાવો કર્યો છે કે ફાયર સેફ્ટી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નહોતી અને ઇમારતમાં ઇમરજન્સી વ્યવસ્થાઓ પણ નબળી હતી. હવે તપાસમાં એ પણ સામે આવશે કે હોસ્પિટલમાં અગ્નિસુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં. બિહાર સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. હાલમાં વહીવટીતંત્ર, ફાયર વિભાગ અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં વ્યસ્ત છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગનું ચોક્કસ કારણ, વાસ્તવિક મૃત્યુઆંક અને બેદરકારી માટે જવાબદાર લોકો અંગે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

Most Popular

To Top