India

ભાજપને ઝટકો કે તમિલનાડુમાં નવા યુગની શરૂઆત? અન્નામલાઈના એક નિર્ણયે રાજકારણમાં મચાવ્યો ભૂકંપ

તમિલનાડુની રાજનીતિમાં એક એવો ધડાકો થયો છે જેના પડઘા માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરના રાજકીય વર્તુળોમાં સંભળાઈ રહ્યા છે. એક સમયના ભાજપના સૌથી લોકપ્રિય અને આક્રમક ચહેરા ગણાતા K. Annamalaiએ પાર્ટીને અલવિદા કહી પોતાની નવી રાજકીય સફરની શરૂઆત કરી છે. તેમના આ નિર્ણય બાદ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એટલુજ નહિ અન્નામલાઈએ ભાજપ છોડ્યા બાદ “We The Leaders” નામથી એક નવા રાજકીય આંદોલનની શરૂઆત કરી છે. આ પહેલને લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળતો હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ શરૂઆતના થોડાક કલાકોમાં જ લાખો લોકો અને સ્વયંસેવકોએ આ અભિયાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના કારણે રાજકીય નિરીક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અન્નામલાઈ લાંબા સમયથી તમિલનાડુમાં ભાજપનું સૌથી જાણીતું નામ રહ્યા છે. પૂર્વ IPS અધિકારી તરીકેની તેમની છબી, આક્રમક ભાષણશૈલી અને યુવાનોમાં રહેલી લોકપ્રિયતાએ તેમને અલગ ઓળખ આપી હતી. પરંતુ પાર્ટીની નીતિઓ અને રાજ્યના રાજકારણને લઈને મતભેદો ઉભા થતાં તેમણે નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે અન્નામલાઈના રાજીનામા બાદ ભાજપમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. તેમના નજીકના કેટલાક અગ્રણીઓ અને પદાધિકારીઓએ પણ પાર્ટી છોડી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ભાજપના તમિલનાડુ સંગઠન માટે પડકારો ઊભા કર્યા છે અને આગામી દિવસોમાં વધુ નેતાઓ પક્ષ છોડે તેવી અટકળો તેજ બની છે.

બીજી તરફ ભાજપનું નેતૃત્વ દાવો કરી રહ્યું છે કે અન્નામલાઈના જવાથી પાર્ટીને કોઈ મોટું નુકસાન નહીં થાય. રાજ્યના ભાજપ પ્રમુખોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભાજપ વ્યક્તિ નહીં પરંતુ વિચારધારાથી ચાલતી પાર્ટી છે અને એક નેતાના જવાથી સંગઠન પર અસર નહીં પડે. પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અન્નામલાઈનો પ્રભાવ ખાસ કરીને યુવા મતદારોમાં ઘણો મજબૂત રહ્યો છે. આવી સ્થિતિમાં જો તેમનું આંદોલન રાજકીય પાર્ટીનું સ્વરૂપ ધારણ કરે અને આગામી ચૂંટણીમાં મેદાનમાં ઉતરે, તો તમિલનાડુની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાઈ શકે છે.

હાલ તો એક વાત સ્પષ્ટ છે કે અન્નામલાઈના ભાજપ છોડવાના નિર્ણયે તમિલનાડુની રાજકીય હલચલને નવી દિશા આપી છે. હવે સૌની નજર એ વાત પર છે કે લાખો સમર્થકોનો દાવો કરતું આ નવું આંદોલન ભવિષ્યમાં કેટલી મોટી રાજકીય શક્તિ બનીને ઉભરશે અને શું તે રાજ્યની પરંપરાગત રાજકીય પાર્ટીઓ માટે નવી મુશ્કેલીઓ ઊભી કરશે? સમય જ તેનો જવાબ આપશે

Most Popular

To Top