Dabhoi

પોલીસ પર હુમલાથી ડભોઈમાં ખળભળાટ: સરકારી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ટોળાએ નિશાન બનાવ્યા

આપડા ને જ પકડે છે” કહી ઉશ્કેરણી બાદ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો, અનેક સામે ગુનો નોંધાયો
સરકારી કામગીરીમાં અવરોધ, ઈંટના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ; શહેરમાં ઘટનાને લઈ ચર્ચાઓ તેજ
ડભોઈ: શહેરમાં એક જ જૂથના લોકો વચ્ચે થયેલી બબાલ બાદ સરકારી હોસ્પિટલ ખાતે ભેગા થયેલા ટોળાએ પોલીસ પર હુમલો કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસકર્મીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અનેક આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હોસ્પિટલ ખાતે હાજર ટોળામાં પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયાએ “આપડા ને જ પકડે છે” કહીને હાજર લોકોને ઉશ્કેર્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ચારથી પાંચ જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી હેડ કોન્સ્ટેબલ ઝાલા પર હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ, આસિફ સિકંદર ગરાસિયા અને હસનૈન ઉર્ફે મુન્સી સિકંદર ગરાસિયાએ ઈંટના ટુકડાઓ વડે હેડ કોન્સ્ટેબલની છાતી અને માથાના ભાગે હુમલો કરી ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત અન્ય શખ્સોએ સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ શુભમ પર પણ હુમલો કરી તેમને માર માર્યો હતો તેમજ નખ વડે ઈજાઓ પહોંચાડી હતી.
આ ઘટનામાં સરકારી કર્મચારીઓની ફરજમાં અવરોધ ઉભો કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા, આસિફ સિકંદર ગરાસિયા, હસનૈન ઉર્ફે મુન્સી સિકંદર ગરાસિયા, સમીર સિકંદર ગરાસિયા, સિકંદર ફકુ ગરાસિયા, સુહાન બદરૂદ્દીન સૈયદ, બદરૂદ્દીન કાલુ સૈયદ સહિત અન્ય શખ્સોને આરોપી તરીકે દર્શાવ્યા છે.
પોલીસ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર ડભોઈ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાને લઈને વિવિધ પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ પોલીસ અને કેટલાક તત્વો વચ્ચેના વધતા તણાવને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જોકે, હાલ ડભોઈ શહેરમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર: દીપક જોશી

Most Popular

To Top