રૂપિયા પરત માંગતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ બાદ તપાસ તેજ
વડોદરા: ડેસર ખાતે એક સોની દ્વારા સોનાના દાગીના બનાવી આપવાના બહાને અનેક ગ્રાહકો પાસેથી સોનું અને રોકડ રકમ મેળવી રૂ.13.01 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
હાલોલ ખાતે રહેતા આરઝુબેન ઇકબાલભાઈ ઘાંચીએ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ડેસરના સંજયભાઈ ચંપકલાલ સોનીએ દાગીના બનાવવા અને રિપેરિંગના બહાને તેમની સહિત અનેક લોકો પાસેથી સોનું અને રોકડ રકમ મેળવી હતી. જોકે લાંબા સમય સુધી દાગીના તૈયાર કરી આપ્યા નહોતા અને ન તો સોનું કે નાણાં પરત કર્યા હતા.
ફરિયાદ અનુસાર આરોપીએ બ્રેસલેટ, હાર, ચેન, સેટ સહિતના દાગીના બનાવવા માટે વિવિધ વ્યક્તિઓ પાસેથી સોનું અને રોકડ મેળવી કુલ રૂ.13.01 લાખની રકમ પડાવી હતી. પીડિતોએ અનેક વખત પોતાની વસ્તુઓ અને નાણાં પરત માંગ્યા છતાં આરોપી ખોટા વાયદા કરીને સમય પસાર કરતો રહ્યો હતો.
આરોપ છે કે નાણાંની ઉઘરાણી કરવા જતાં મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સમગ્ર મામલે ડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.