પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામે હવે અસ્તિત્વનો સૌથી મોટો પડકાર ઉભો થયો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.એટલુજ નહિ તાજેતરના રાજકીય ઘટનાક્રમોએ મમતા બેનર્જી અને તેમની પાર્ટી માટે ચિંતાની ઘંટડી વગાડી દીધી છે.
મળતી માહિતી મુજબ, પાર્ટીના અનેક સાંસદો અને ધારાસભ્યો નેતૃત્વથી અસંતુષ્ટ હોવાનું માનવામાં આવે છે. ચર્ચા એવી પણ છે કે કેટલાક સાંસદો સતત સંપર્કથી દૂર રહ્યા અને તેમના મોબાઇલ ફોન બંધ હોવાનું સામે આવ્યું, જેના કારણે રાજકીય અટકળો વધુ તેજ બની ગઈ છે. આ ઘટનાએ પાર્ટીની આંતરિક એકતા અંગે સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા Suvendu Adhikari દિલ્હીમાં સક્રિય બનતા રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી દિવસોમાં બંગાળની રાજનીતિમાં વધુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.
અહેવાલો અનુસાર, TMCના કેટલાક નેતાઓ અને સાંસદો પાર્ટીના વર્તમાન નેતૃત્વ અને નિર્ણય પ્રક્રિયાથી નારાજ હોવાનું કહેવામાં આવે છે. ખાસ કરીને ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં અસંતોષનો માહોલ વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અનેક નેતાઓ ખુલ્લેઆમ પોતાના મતભેદ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાકે પરોક્ષ રીતે નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે.રાજકીય સૂત્રોનું માનવું છે કે જો આ અસંતોષને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો પાર્ટીને સંસદથી લઈને સંગઠન સ્તર સુધી મોટું નુકસાન થઈ શકે છે. બંગાળમાં લાંબા સમયથી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ મજબૂત ગણાતી TMC માટે આ સ્થિતિ એક ગંભીર પડકાર સમાન માનવામાં આવી રહી છે.
આ દરમિયાન મમતા બેનર્જીએ પક્ષના વફાદાર નેતાઓ સાથે તાત્કાલિક બેઠકો શરૂ કરી છે અને સંગઠનને ફરી મજબૂત બનાવવા માટે વિવિધ નિર્ણયો પણ લીધા હોવાનું જાણવા મળે છે. પરંતુ વિરોધીઓનો દાવો છે કે પાર્ટીમાં વધતું અસંતોષ હવે ખુલ્લેઆમ બહાર આવી રહ્યું છે. હવે સૌની નજર દિલ્હીમાં થનારી રાજકીય હલચલ પર છે. શું TMC આ સંકટમાંથી બહાર આવશે કે પછી બંગાળની રાજનીતિમાં કોઈ નવો રાજકીય ભૂકંપ આવશે? આગામી થોડા દિવસો આ સવાલનો જવાબ આપી શકે છે.