NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીના જંતર-મંતર પર મોટું વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. દિલ્હી પોલીસ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી મળ્યા બાદ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચવા લાગ્યા છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા અભિજિત દીપકે પણ અમેરિકાના બોસ્ટનથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા જ આ મુદ્દે સક્રિય બન્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “તમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો છો, પરંતુ અમને નહીં હટાવી શકો. આ સિસ્ટમની જ ખામી છે કે જેના કારણે આજે આ ‘કોકરોચ’ બહાર નીકળી રહ્યા છે.” તેમના આ નિવેદન બાદ પ્રદર્શનકારીઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
જંતર-મંતર પર એકત્ર થયેલા સમર્થકોએ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે દેશમાં ધર્મના નામે રાજનીતિ હવે સ્વીકારવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલ સહન કરવામાં આવશે નહીં. તેમણે સિસ્ટમની ખામીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં વધતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી. તેમનું કહેવું હતું કે NEET પેપર લીક જેવી ઘટનાઓના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને જવાબદારી નક્કી થવી જોઈએ. કેટલાક દેખાવકારોએ આરોપ લગાવ્યો કે શિક્ષણ તંત્રની નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
અભિજિત દીપકે દિલ્હી પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના સમર્થકોને સંદેશ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે તેઓ જંતર-મંતર પર સૌને મળવા આતુર છે અને તમામ લોકોને શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં જોડાવાની અપીલ કરી હતી. તેમણે સમર્થકોને તિરંગો અને પુસ્તકો સાથે આવવા તેમજ ફરજ પરના પોલીસકર્મીઓને ફૂલ અર્પણ કરીને સન્માન દર્શાવવા પણ કહ્યું હતું. આંદોલનનો મુખ્ય મુદ્દો NEET પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવાની અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાનો છે. અગાઉ શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને જરૂરી બનશે તો આંદોલનમાં જોડાવાની વાત કરી હતી.
બીજી તરફ, વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના વરિષ્ઠ નેતાઓના નિવાસસ્થાનોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેન્ટ્રલ દિલ્હીને 12 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનની જવાબદારી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી છે. નવી દિલ્હી વિસ્તારમાં 1,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસને પ્રદર્શનકારીઓ સાથે સંયમ રાખવા અને સંવાદ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં રાખવાની સૂચના આપવામાં આવી છે. વિરોધ પ્રદર્શનને કારણે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આયોજકોએ આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રાખવાનો દાવો કર્યો છે.