Entertainment

‘કાલા હિરણ’ વિવાદ વકર્યો, સલમાનને ટાર્ગેટ કરવાની કોશિશ થઈ રહી હોવાનો દાવો

સલમાન ખાન સાથે જોડાયેલા કાળા હરણ શિકાર કેસ પર આધારિત કહેવાતી ફિલ્મ ‘કાલા હિરણ’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હવે અભિનેતા સોનુ મિશ્રાએ દાવો કર્યો છે કે ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર ભજવવા માટે શરૂઆતમાં તેમની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મનું કથાનક અને રજૂઆત પક્ષપાતી લાગતા તેમણે પોતે જ પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય લીધો હતો. યુટ્યુબ ચેનલ ‘ઝલકો ચુરુ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનુ મિશ્રાએ જણાવ્યું કે એપ્રિલ 2026માં એક કાસ્ટિંગ ડિરેક્ટરે તેમને ફિલ્મ માટે સંપર્ક કર્યો હતો. સલમાન ખાન સાથે જોડાયેલો પ્રોજેક્ટ હોવાનું જાણીને તેમણે તરત જ ફિલ્મ માટે સંમતિ આપી હતી. જોકે, શૂટિંગ દરમિયાન તેમને લાગ્યું કે ફિલ્મમાં સલમાન ખાનને એકતરફી અને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે.

સોનુના જણાવ્યા અનુસાર, તેમણે મેકર્સ પાસે સ્ક્રિપ્ટ અને પોતાના પાત્ર વિશે માહિતી માગી હતી, પરંતુ તેમને સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. કોર્ટરૂમના દૃશ્યો અને તેમાં રજૂ થતી દલીલો સાંભળ્યા બાદ તેમને લાગ્યું કે ફિલ્મનું નેરેટિવ સંતુલિત નથી અને એક ખાસ દિશામાં આગળ વધી રહ્યું છે. આ કારણે તેમણે ફિલ્મમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. સોનુએ એવો પણ આક્ષેપ કર્યો કે ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. સોનુ મિશ્રા અગાઉ સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં કોન્સ્ટેબલની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ઉપરાંત તેઓ ‘તેનાલી રામ’ અને ‘વિઘ્નહર્તા ગણેશ’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાની પણ સતત ચર્ચામાં છે. સલમાન ખાન તરફથી મોકલાયેલી લીગલ નોટિસને લઈને તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે નોટિસ જાહેરમાં ફાડી નાખી હતી. વીડિયોમાં જાનીનો દાવો હતો કે તેમને સોશિયલ મીડિયા પર ધમકીભર્યા સંદેશા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે નોટિસનો જવાબ તેઓ આ રીતે આપી રહ્યા છે અને ધમકીઓથી ડરવાના નથી. આ પહેલાં અમિત જાનીએ સ્પષ્ટતા કરી હતી કે ‘કાલા હિરણ’ માત્ર સલમાન ખાનની બાયોપિક નથી. તેમના જણાવ્યા મુજબ ફિલ્મનો મુખ્ય વિષય બિશ્નોઈ સમાજનો સંઘર્ષ, તેમની પરંપરા અને વન્યજીવો પ્રત્યેનું સમર્પણ છે. સલમાન ખાનની ભૂમિકા ફિલ્મનો માત્ર એક ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફિલ્મને લઈને સલમાન ખાનની ટીમે પણ કાનૂની પગલાં લીધાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન તરફથી લો ફર્મ DSK લીગલે કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને નોટિસ મોકલી હતી. નોટિસમાં ફિલ્મના પ્રોડક્શન અને પ્રમોશનલ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું અને મેકર્સે જાહેરાત કરી હતી કે તેનો ફર્સ્ટ લુક અને ટીઝર 20 જૂને રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં સલમાન ખાન અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચેના વિવાદને પણ સ્પર્શ કરવામાં આવશે તેવી ચર્ચા છે. જોકે મુખ્ય ભૂમિકામાં કોણ જોવા મળશે તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી.

સલમાન ખાન સાથે જોડાયેલો કાળા હરણ શિકાર કેસ વર્ષ 1998માં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈં’ના શૂટિંગ દરમિયાન સામે આવ્યો હતો. આ કેસમાં સલમાન ખાન ઉપરાંત સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમના નામ પણ જોડાયા હતા. વર્ષ 2018માં જોધપુર કોર્ટ દ્વારા સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતા. હાલમાં આ સમગ્ર મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. મે 2026માં થયેલી સુનાવણી બાદ કોર્ટે આગામી સુનાવણી માટે 13 જુલાઈ 2026ની તારીખ નક્કી કરી છે. તે વચ્ચે ‘કાલા હિરણ’ને લઈને ઉભા થયેલા નવા વિવાદે ફિલ્મને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.

Most Popular

To Top