દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા દેશના પહેલા વડાપ્રધાન છે જેમણે ગરીબોની કદર કરી છે. વડાપ્રધાને 4 કરોડ પાકાં ઘરો બનાવ્યા, 10 કરોડ શૌચાલય બનાવ્યા, 50 કરોડ ગરીબોના જનધન ખાતા ખોલ્યા, 10 કરોડ પરિવારમાં ઉજ્જવલા ગેસ જોડાણ પહોંચાડ્યા અને 80 કરોડ ગરીબોને મફતમાં રાશન પૂરું પાડ્યું છે. આ વાત 5 જૂને પીએમ મોદી સુરતમાં હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરીબોના ઉત્થાન માટે શરૂ કરાયેલી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. તેમની વાત 100 ટકા સાચી છે કારણ કે, એક ઈંટની કિંમત શું હોય છે તે કોઇ ગરીબ જ જાણી શકે.
મોદી વડાપ્રધાન નહીં હતાં તે પહેલા પોતાના ઘરનું ઘર એ દેશવાસીઓનું સપનું રહેતું હતું અને તે ક્યારેય હકીકતમાં ફેરવાતું ન હતું પરંતુ હવે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છત મળી રહી છે. જો કે સુરતના સ્થાનિક નેતાઓ વડાપ્રધાનની કાર્યશૈલીમાંથી કોઇ જ શીખ નથી લેતા. તેઓ કોઇ શીખ નહીં લે ત્યાં સુધી તો વાંધો નથી પરંતુ તેનાથી વિપરીત કામ ચાલતું હોય તો હાથ પર હાથ મૂકીને બેસી રહે છે. સુરતના નાસીરનગરમાં જે ઘટના બની તેવી તો કદાચ બિહારમાં લાલુરાજ હતું, યુપીમાં મુલાયમ રાજ હતું કે પશ્વિમ બંગાળમાં મમતા રાજ હતું ત્યારે પણ ત્યાં બની ન હતી.
એક સપ્તાહ પહેલા અહીં વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીર નગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન સમયે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપ્યા વિના જ અચાનક બુલડોઝરો ઉતારી દેવામાં આવ્યા હતા, જેને કારણે સ્લમ વસાહતના 100થી વધુ પરિવારો ધોમધખતા તાપમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.
તે સમયે કાળઝાળ ગરમીમાં પોતાની નજર સામે આજીવિકાના આશરા સમાન ઘરોને તૂટતા જોઈને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ આક્રંદ કરી ઉઠ્યા હતા. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે સુરત મહાનગર પાલિકાએ આવું કોઇ ડિમોલિશન કર્યું હોવાનો ઇનકાર કરી દીધો. તો શહેરમાં ખુલ્લેઆમ જ્યારે આવો નગ્નનાચ ચાલી રહ્યો હોય અને સુરતના નેતાઓનું લોહી ગરમ નહીં થાય તો તેમણે બંગડી પહેરીને ઘરે બેસી જવું જોઇએ.
અધિકારીઓ નગરસેવકોને તો ગણકારતા જ નથી તેમના ફોન પણ ઉપાડતા નથી અને તે ઉપાડવા માટે સ્ટેન્ડિંગ ચેરેમેને સૂચના આપવી પડે આનાથી મોટું લાંછન તો કયુ હોય શકે? આ સૂચના જ્યારે અપાઇ તે દિવસે જ તેમણે નાસીર નગરના ડિમોલિશનના સ્ટેટસ અને વિગતની તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે. સૌથી મોટી વાત તો એ છે કે કતારગામ ઝોનની હદમાં આવતી જગ્યા પર સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમાર્કેશનની કામગીરી કેવી રીતે કરવામાં આવી? તો બીજી તરફ ધારાસભ્યો અને પાલિકાની સંકલનમાં કતારગામ વેડ દરવાજા પાસે આવેલા નાસીરનગર સ્લમ એરિયામાં તાજેતરમાં થયેલું ડિમોલિશન મુદ્દે ધારાસભ્ય વિનુ મોરડિયાએ મનપા કમિશનર પાસે ખુલાસો માંગ્યો હતો.
મનપા તંત્ર હજુ પણ અમે ડિમોલિશન નથી કર્યું તેવું રટણ કરી રહ્યું છે, ત્યારે વિનુ મોરડિયાએ આકરા સવાલો કરતા કહ્યું કે જો મનપાની ટીમ ત્યાં માત્ર લાઇન દોરી માટે ગઈ હતી, તો તેમની નજર સામે ધોળા દિવસે જેસીબી અને હિટાચી મશીનો ચલાવવાની હિંમત કોણે કરી? આ તોડફોડ વખતે મનપાના કર્મચારીઓ અને પોલીસ કોના કહેવાથી ત્યાં હાજર હતા? હવે જો આવી રીતે પાલિકાની જાણ બહાર ડિમોલિશન થાય તે વાત માનવામાં આવે તેવી નથી પરંતુ માની લઇએ તો પણ નેતાઓ આ મામલે કેમ ચૂપ બેઠા છે. સુરતની જમીનનો વાત આવે ત્યારે બૈરા જેવા અવાજવાળા એક અધિકારીની ભૂમિકા પણ તપાસવાની જરૂર છે. જેની સરકારી ઓફિસમાં હંમેશા ભૂતકાળમાં છોટારાજન ગેંગ સાથે નામ ઉછળી ચૂક્યું હોય અને મર્ડરના આરોપી હોય તેમનો જમાવડો રહે છે.