મિત્ર વચ્ચે બચાવવા પડતાં તેને પણ ગડદાપાટુનો માર માર્યો, ઇજાગ્રસ્ત સગીર સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો, વારસિયા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
(પ્રતિનિધિ), વડોદરા. તા.8
વડોદરા :- શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને લુખ્ખાગીરી દિન-પ્રતિદિન વધી રહી હોય તેમ વધુ એક મારામારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના મદાર મૌહલ્લા વિસ્તારમાં રહેતા એક નાબાલિક (સગીર) યુવક પર સાત થી આઠ જેટલા શખ્સોએ ભેગા મળીને હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મારામારીમાં ઈજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મદાર મૌહલ્લામાં રહેતા સગીર યુવકને અસામાજિક તત્વોએ ફોન કરીને વારસિયા વિસ્તારમાં મળવા માટે બોલાવ્યો હતો. જેથી સગીર પોતાના એક મિત્રને સાથે રાખીને વારસિયા બેન્કર હોસ્પિટલ નજીક પહોંચ્યો હતો. તેઓ ત્યાં પહોંચતા જ અગાઉથી ઘાત લગાવીને બેઠેલા તનવીર પઠાણ, મોઈન, સમીર અને તેના અન્ય 4 થી 5 સાગરીતોએ સગીર પર એકાએક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ સગીરને માર મારતાં તેને આંખ અને હોઠના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ મારામારી દરમિયાન સગીરનો મિત્ર તેને બચાવવા વચ્ચે પડ્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તેની સાથે પણ ઉગ્ર હાથાપાઈ કરી ગડદાપાટુનો માર માર્યો હતો.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત સગીર તુરંત જ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.
ભોગ બનનાર યુવકોના જણાવ્યા અનુસાર, તનવીર પઠાણ, મોઈન અને સમીર નામના શખ્સો સહિતના ટોળાએ આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટના અંગે વારસિયા પોલીસને જાણ કરાતા પોલીસે હોસ્પિટલ દોડી જઈ ભોગ બનનારનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે રાયોટિંગ અને મારપીટનો ગુનો નોંધી ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.