National

દેશમાં ફરી કોરોના કેસોએ વધારી ચિંતા, દક્ષિણના રાજ્યો એલર્ટ પર, હોસ્પિટલોને કરાઈ સતર્ક

કોરોના મહામારીના ભયાનક દિવસોને લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. વર્ષ 2020થી 2023 દરમિયાન આવેલી કોરોનાની ત્રણ લહેરોએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હોસ્પિટલોની બહાર લાંબી કતારો, ઓક્સિજનની અછત અને માસ્ક-સેનિટાઇઝર રોજિંદા જીવનનો ભાગ બની ગયા હતા. ત્યારબાદ સ્થિતિ સામાન્ય બનતાં લોકોને લાગ્યું હતું કે કોરોનાનો ખતરો હવે ટળી ગયો છે. જોકે હવે ફરી એકવાર દેશના કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.

છેલ્લા લગભગ એક મહિનાથી મહારાષ્ટ્ર, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિતના રાજ્યોમાં કોરોના સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કેસોમાં વધારો નોંધાતા રાજ્ય સરકારોએ દેખરેખ વધારી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હાલની સ્થિતિ મહામારી જેવી ગંભીર નથી, છતાં તેને અવગણવી યોગ્ય નહીં ગણાય. શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલોને પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

ઓમિક્રોનના RF.5 સબ-વેરિઅન્ટને માનવામાં આવી રહ્યું છે જવાબદાર

આરોગ્ય સંબંધિત અહેવાલો અનુસાર આ વખતે કોરોના કેસોમાં થઈ રહેલા વધારા પાછળ મુખ્યત્વે ઓમિક્રોનના RF.5 સબ-વેરિઅન્ટને કારણભૂત માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વેરિઅન્ટના મોટા ભાગના કેસોમાં લક્ષણો સામાન્ય રહે છે, પરંતુ વૃદ્ધો અને પહેલેથી ગંભીર બીમારી ધરાવતા લોકો માટે સાવચેતી જરૂરી છે.

આંધ્ર પ્રદેશમાં 49 કેસ, 4 લોકોના મોત

આંધ્ર પ્રદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકારની સત્તાવાર માહિતી મુજબ 25 જુલાઈએ 10 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે કુલ કેસોની સંખ્યા વધીને 49 થઈ છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે. હાલમાં 24 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 16 દર્દીઓ ઘરે રહીને તબીબી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી 5 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

તેલંગાણામાં પણ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં

તેલંગાણાના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ડિરેક્ટર ડૉ. બી. રવિંદર નાયકે જણાવ્યું છે કે હાલમાં કેસોમાં જે વધારો જોવા મળી રહ્યો છે તે ખૂબ જ મર્યાદિત છે અને ગયા વર્ષના સમાન સમયગાળાની સ્થિતિ જેવી જ છે. તેમણે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું છે.

હોસ્પિટલોને કરાયા સતર્ક, કેન્દ્રે શું કહ્યું?

પ્રભાવિત વિસ્તારોની સરકારી હોસ્પિટલોને ટેસ્ટિંગ અને સારવાર માટે સંપૂર્ણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલોમાં ખાસ કોવિડ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે, જ્યારે સેકન્ડરી લેવલની હોસ્પિટલોમાં પણ આઇસોલેશન બેડ અલગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલ દેશની સ્થિતિ ચિંતાજનક નથી. મંત્રાલયે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર અને અન્ય નિષ્ણાત સંસ્થાઓના મૂલ્યાંકનના આધારે જણાવ્યું છે કે હાલ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકો ગભરાવાની જરૂર નથી. તેમ છતાં સાવચેતી જ કોરોનાથી બચવાનો સૌથી અસરકારક ઉપાય હોવાનું આરોગ્ય નિષ્ણાતો જણાવી રહ્યા છે.

Most Popular

To Top