₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને ભાડા કરારના નામે ફસાવી કરોડો રૂપિયાનું ટ્રેક્ટર કૌભાંડ આચરનાર શાતિર ગેંગનો એલસીબી, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી અંદાજે ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લાંબા સમયથી આયોજનબદ્ધ રીતે ખેડૂતોને નિશાન બનાવી છેતરપિંડી આચરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પહેલાં ખેડૂતોનો વિશ્વાસ જીતતા હતા. તેઓ ખેતી, રોડ કોન્ટ્રાક્ટ અથવા અન્ય કામ માટે ટ્રેક્ટર અને જેસીબી ભાડે લેવાની જરૂર હોવાનું કહી ભાડા કરાર કરતા હતા. શરૂઆતના થોડા દિવસો સુધી નિયમિત ભાડું ચૂકવી ખેડૂતોનો વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ ટ્રેક્ટર અને અન્ય મશીનો પરત આપવાના બદલે ગાયબ થઈ જતા અથવા તેને અન્ય વ્યક્તિઓને વેચી દેતા હતા. કેટલાક કિસ્સાઓમાં વાહનોના નંબર અને ઓળખ બદલવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સંયુક્ત દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 20 ટ્રેક્ટર, 1 જેસીબી અને 10 ટ્રોલી સહિત કુલ ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ વાહનો અલગ-અલગ સ્થળોએ છુપાવી રાખવામાં આવ્યા હતા. પોલીસે તમામ વાહનો કબજે કરીને તેમના મૂળ માલિકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અનેક ખેડૂતોને પોતાના વાહનો પરત મળવાની આશા જાગી છે.આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે તમામને 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન સમગ્ર કૌભાંડના માસ્ટરમાઈન્ડ, અન્ય સાગરિતો, વેચી દેવાયેલા વાહનો અને આર્થિક વ્યવહારોની તપાસ કરશે. પોલીસને શંકા છે કે આ ગેંગે માત્ર અરવલ્લી જ નહીં પરંતુ આસપાસના અન્ય જિલ્લાઓમાં પણ અનેક ખેડૂતો સાથે આવી જ રીતે છેતરપિંડી કરી હોઈ શકે છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણા ખેડૂતો લોન લઈને ટ્રેક્ટર ખરીદ્યા હતા. ટ્રેક્ટર ગાયબ થતાં તેઓ બેંકના હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને આર્થિક સંકટમાં મુકાઈ ગયા હતા. કેટલાક ખેડૂતો દ્વારા અગાઉ પણ ફરિયાદો નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને સતત તપાસ બાદ આ સમગ્ર ગેંગ સુધી પહોંચવામાં સફળતા મેળવી.પોલીસે ખેડૂતોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિને ટ્રેક્ટર, જેસીબી અથવા અન્ય ખેતીના સાધનો ભાડે આપતા પહેલાં તેની સંપૂર્ણ ઓળખ, સરનામું, આધાર પુરાવા અને કાયદેસર કરારની ચકાસણી અવશ્ય કરે. શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી અને સ્થાનિક પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. જો આ ગેંગ સાથે અન્ય લોકો સંકળાયેલા હશે તો તેમની સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હવે જપ્ત કરાયેલા વાહનોના દસ્તાવેજોની ચકાસણી કરીને તમામ મૂળ માલિકોને વાહનો પરત આપવાની પ્રક્રિયા પણ હાથ ધરશે.