રાજ્યમાં ચોમાસું જોરદાર રીતે જામ્યું છે અને 26 જુલાઈ, 2026ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 53.67 ટકા એટલે કે 19.21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 204 તાલુકામાં સરેરાશ 14.96 મિમી (0.59 ઇંચ) વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 5.51 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત ઓગડમાં 3.86 ઇંચ, ખેરગામમાં 3.39 ઇંચ, નડિયાદમાં 3.31 ઇંચ, નાનાપોંઢામાં 3.11 ઇંચ તેમજ અન્ય 13 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.42 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.22 ટકા, સૌરાષ્ટ્રમાં 43.50 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.53 ટકા જ્યારે કચ્છમાં સૌથી ઓછો 18.89 ટકા વરસાદ નોંધાયો છે. આજે બપોર સુધીમાં પણ રાજ્યના 54 તાલુકામાં 1 મિમીથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા અને 41 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર (નર્મદા ડેમ) કુલ ક્ષમતાના 69.25 ટકા સુધી ભરાઈ ગયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 45.17 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હાલ 14 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે જ્યારે 25 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયેલા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે 21 ડેમને હાઈ એલર્ટ, 4 ડેમને એલર્ટ અને 14 ડેમને વોર્નિંગ હેઠળ રાખ્યા છે.
ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે રાજ્યભરમાં રાહત અને બચાવ કામગીરી પણ સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 52,085 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે પાણીમાં ફસાયેલા 7,995 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 17 ટીમો, SDRFની 33 પ્લાટૂન અને આર્મીની 5 ટીમો તૈનાત રાખવામાં આવી છે. વરસાદની સૌથી મોટી અસર માર્ગ વ્યવહાર પર પડી છે. રાજ્યમાં હાલમાં કુલ 357 રસ્તા બંધ છે. તેમાં 22 સ્ટેટ હાઈવે, 2 નેશનલ હાઈવે, 35 અન્ય રાજ્ય માર્ગો અને 278 પંચાયત રોડનો સમાવેશ થાય છે. માર્ગો બંધ થતાં GSRTCને પણ ભારે અસર પહોંચી છે. એસટી નિગમે કુલ 1,309 ટ્રીપો રદ કરવી પડી છે, જેના કારણે અંદાજે 36.09 લાખથી વધુની આવકનું નુકસાન થયું છે.
ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વાવેતરના 59.59 ટકા જેટલું છે. મગફળીનું 86.05 ટકા, સોયાબીનનું 88.40 ટકા અને કપાસનું 78.71 ટકા વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ અને ઠંડા વાતાવરણને કારણે ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. ધુમ્મસ, હરિયાળી અને વરસાદી વાતાવરણને કારણે પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરતમાં પૂરનું પાણી ઓસર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને માર્ગ મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ બંધ કરાયેલા 24માંથી 23 રસ્તા પરથી કાદવ અને કચરો દૂર કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. કોઝવે સર્કલ નજીકનો એકમાત્ર રસ્તો હજુ પાણી સંપૂર્ણપણે ઓસરવાની રાહ જોઈ રહ્યો છે.
ભરત કેન્સર હોસ્પિટલ રોડ, સારોલી અને સણીયા ગામ સહિતના વિસ્તારોમાં જેસીબી અને જેટિંગ મશીન દ્વારા માર્ગો સાફ કરવામાં આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે વિશેષ મેડિકલ કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમે પડોશી નવસારી જિલ્લામાં પણ મદદરૂપ બની 12 મેટ્રિક ટન કચરો દૂર કર્યો છે તેમજ 1,050 કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરીને રાહત કામગીરીમાં સહયોગ આપ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા, નદી-નાળાની નજીક ન જવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.