2010 પહેલાં નિમાયેલા અને પાંચ વર્ષથી વધુ સેવા બાકી ધરાવતા શિક્ષકોને લાગુ પડશે નિયમ
TET પાસ નહીં કરે તો નોકરી અને પ્રમોશન પર સંકટ; વર્ષમાં બે વખત પરીક્ષા યોજવા કોર્ટે આપ્યો આદેશ
(પ્રતિનિધિ), વડોદરા, તા. 8
સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. કોર્ટના આદેશ મુજબ હવે રાજ્યના અંદાજે 75 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાતપણે શિક્ષક પાત્રતા કસોટી (TET) પાસ કરવી પડશે. આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા અને જેમની નિવૃત્તિ માટે હજુ પાંચ વર્ષથી વધુ સમય બાકી છે એવા તમામ શિક્ષકો માટે TET લાયકાત મેળવવી ફરજિયાત રહેશે. કોર્ટ દ્વારા અગાઉ નક્કી કરાયેલી સમયમર્યાદા વધારીને હવે 31 ઓગસ્ટ, 2028 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન TET પાસ ન કરનારા શિક્ષકોને સેવા ચાલુ રાખવામાં મુશ્કેલી પડી શકે છે, જ્યારે પ્રમોશન અને ઉચ્ચ પગાર ધોરણ માટે પણ TET અનિવાર્ય રહેશે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણની ગુણવત્તા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું રાજ્યની જવાબદારી છે. કોર્ટે નોંધ્યું કે માત્ર નોકરી બચાવવાના હેતુથી શિક્ષકોને લાયકાતના ધોરણોમાંથી મુક્તિ આપી શકાય નહીં.
શિક્ષકોને પૂરતી તક મળે તે માટે કોર્ટે રાજ્યોને વર્ષમાં ઓછામાં ઓછી બે વખત TET પરીક્ષા યોજવા પણ નિર્દેશ આપ્યો છે. હવે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણયના અમલીકરણ માટે ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
આ નિર્ણયથી 2010 પહેલાં સેવા શરૂ કરનારા હજારો શિક્ષકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે શિક્ષણવિદો અને શિક્ષણ ક્ષેત્રના જાણકારો આ નિર્ણયને શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓને વધુ સક્ષમ શિક્ષકો ઉપલબ્ધ કરાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે.