જ્હોન્સન એન્ડ જ્હોન્સન (J&J) કંપની પોતાના ટેલ્કમ બેબી પાવડરના કારણે ઓવેરિયન કેન્સર (અંડાશયનું કેન્સર) થવાના આરોપોનો સામનો કરી રહી હતી. લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની જંગને આખરે વિરામ આપવા માટે કંપનીએ $5.5 અબજ (લગભગ Rs 45,000 કરોડ) ચુકવીને કેસની પતાવટ કરવાની તૈયારી બતાવી છે. જો આ સોદો સફળ થશે તો તે યુએસ કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા પ્રોડક્ટ લાયબિલિટી કેસોમાંથી એકનો અંત લાવશે.
આ પ્રસ્તાવિત સેટલમેન્ટ અમેરિકાની ફેડરલ અને સ્ટેટ કોર્ટમાં નોંધાયેલા લગભગ 76,000 સક્રિય દાવાઓને આવરી લેશે. જોકે, આ કરાર ત્યારે જ લાગુ થશે જ્યારે ઓછામાં ઓછા 95% દાવેદારો આ શરતો માટે પોતાની સંમતિ આપશે.
સેટલમેન્ટ પાછળનું મુખ્ય કારણ અને ચૂકવણીની યોજના
કંપનીનો દાવો છે કે તેના ટેલ્કમ પ્રોડક્ટ્સ સુરક્ષિત છે અને તેમાં એસ્બેસ્ટોસની કોઈ માત્રા નથી. આમ છતાં, લાંબી અને ખર્ચાળ કોર્ટ કાર્યવાહીથી બચવા માટે J&J આ રસ્તો અપનાવ્યો છે. કંપનીનું કહેવું છે કે તેઓ કાનૂની લડાઈમાં જીતી શકે તેમ છે, પરંતુ આ કેસ પૂરો કરીને તેઓ નવી દવાઓ અને તબીબી સાધનો બનાવવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
- J&J વર્ષ 2027માં લગભગ $3 અબજ (Rs 24,000 કરોડ)ની ચૂકવણી કરશે અને બાકીની રકમ 2028માં ચૂકવવામાં આવશે.
- ફરિયાદીઓના વકીલના જણાવ્યા મુજબ જો વધુ દાવેદારો ભાગ લેશે તો કુલ ચૂકવણી $7 અબજ (Rs 57,000 કરોડ)થી પણ વધી શકે છે.
- આ ફરિયાદો એવા દાવેદારોની છે જેમનું માનવું છે કે લાંબા સમય સુધી પાવડર વાપરવાથી તેમને કેન્સર થયું છે.
- વધતી કાનૂની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કંપનીએ 2020માં જ અમેરિકામાં ટેલ્ક-બેઝ્ડ પાવડરનું વેચાણ બંધ કરીને કોર્નસ્ટાર્ચ-બેઝ્ડ વિકલ્પ શરૂ કરી દીધો હતો.
લાંબી કાનૂની લડાઈ અને સેટલમેન્ટનું મહત્વ
આ કેસનો ઇતિહાસ ખૂબ જ જટિલ રહ્યો છે. કંપનીએ અગાઉ ત્રણ વખત બેન્કરપ્સી (દેવાળું) જાહેર કરીને કેસ પૂરો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં “ટેક્સાસ ટુ-સ્ટેપ” નામની વિવાદાસ્પદ વ્યૂહરચના પણ સામેલ હતી. જોકે, અદાલતોએ આ અરજીઓ ફગાવી દીધી હતી.
હાલનો સેટલમેન્ટ પ્રસ્તાવ માત્ર વર્તમાન કેસો માટે જ છે, જેથી ફરિયાદીઓને લગભગ 18 મહિનામાં વળતર મળી શકે. જો 95% ફરિયાદીઓ આ પ્રસ્તાવ સ્વીકારશે તો J&J આ વિવાદમાંથી બહાર નીકળી શકશે, નહીંતર કંપનીએ આગામી વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપવા પડશે.