National

લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર હોબાળો, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ એન્ટી પેપર લીક બિલ અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષી સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. સતત સૂત્રોચ્ચાર અને વિરોધને કારણે સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં સંસદમાં NDA સંસદીય દળની ‘મંગળ મિલન’ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

વિપક્ષનું કહેવું હતું કે પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સરકાર જવાબ આપે. આ મુદ્દે ચર્ચાની માંગ સાથે વિપક્ષે સતત વિરોધ નોંધાવ્યો હતો.

જિતેન્દ્ર સિંહે રજૂ કર્યું એન્ટી પેપર લીક બિલ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક લોકસભામાં રજૂ કર્યું. આ વિધેયકનો હેતુ પેપર લીક જેવી ગેરરીતિઓ સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.

બિલમાં કડક સજા અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની જોગવાઈ

સુધારા વિધેયકમાં પેપર લીકના દોષિતો સામે વધુ કડક કાર્યવાહીનો પ્રસ્તાવ છે. તેમાં ગુનેગારો માટે જેલની લઘુત્તમ સજાનો સમયગાળો વધારવાની, દંડની રકમમાં વધારો કરવાની અને આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ કાયદાથી જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા વધશે અને પેપર લીક જેવી ઘટનાઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.

હોબાળાને કારણે બિલ પર આગળની કાર્યવાહી અટકી

વિપક્ષના સતત વિરોધ અને સૂત્રોચ્ચારને કારણે લોકસભામાં સામાન્ય કામગીરી ખોરવાઈ હતી. પરિણામે સત્તારૂઢ પક્ષ આ વિધેયકને નીચલા ગૃહમાંથી પસાર કરાવી શક્યો નહોતો. લોકસભાની સાથે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Most Popular

To Top