National

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ વિદ્યાર્થીઓને મુક્ત કરો, પોલીસ કાર્યવાહી પર સ્વતંત્ર તપાસ થશે

દેશભરમાં પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનો દરમિયાન પોલીસ કાર્યવાહી અને કથિત અત્યાચારને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જોઈએ. સાથે જ કોર્ટે તમામ રાજ્યોને વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઝડપાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ કહ્યું કે વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓને છોડવામાં આવે અને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની દબાણાત્મક કાર્યવાહી કરવામાં ન આવે.

સ્વતંત્ર તપાસ વગર જવાબદારી નક્કી થઈ શકે નહીં: CJI

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે જેમણે પોતાની સત્તાની મર્યાદા વટાવી છે અથવા નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો છે, તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ તે માટે સંપૂર્ણ સ્વતંત્ર અને પારદર્શક તપાસ જરૂરી છે.

કોર્ટે કહ્યું કે, જો તપાસ બાદ કોઈની જવાબદારી નક્કી ન થાય તો આવી તપાસનો કોઈ અર્થ રહેતો નથી. એક દિવસ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આંદોલન ચાલી રહ્યું છે એટલા માટે પોલીસની કથિત ગેરવર્તણૂકને યોગ્ય ઠેરવી શકાય નહીં. સાથે જ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ અસામાજિક તત્વે કાયદો તોડ્યો હોય તો તેની સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

દિલ્હી સહિત 7 રાજ્યોને નોટિસ

સુપ્રીમ કોર્ટે NEET પ્રદર્શન દરમિયાન થયેલી કથિત હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરળ સરકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. કોર્ટે તમામ સંબંધિત અધિકારીઓને ઘટનાસ્થળના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો પણ આદેશ આપ્યો છે, જેથી તપાસ દરમિયાન કોઈ મહત્વના પુરાવા સાથે ચેડાં ન થઈ શકે. કોર્ટએ વધુમાં સ્પષ્ટ કર્યું કે જે લોકો સામે પ્રદર્શન પહેલાં કોઈ ગુનાહિત કેસ નોંધાયેલા નહોતા અને જેમની સામે માત્ર પ્રદર્શન દરમિયાન કેસ નોંધાયા છે, તેમની સામે આગામી સુનાવણી સુધી કોઈ દંડાત્મક કે દબાણાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે.

પોલીસ કાર્યવાહી પર ઉઠ્યા ગંભીર સવાલો

છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અનેક શહેરોમાં પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન ચાલી રહ્યા છે. આ દરમિયાન પોલીસ કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થયા છે. દિલ્હીમાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પેલેટ ગનના ઉપયોગને લઈને સુરક્ષા એજન્સીઓની ટીકા થઈ રહી છે. આ કાર્યવાહીમાં અનેક પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલો સામે આવ્યા છે.

બીજી તરફ બિહારમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં 3 લોકો ઘાયલ થયાની માહિતી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પોલીસકર્મી AK-47 અસોલ્ટ રાઇફલથી ફાયરિંગ કરતો જોવા મળ્યા બાદ સંબંધિત પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top