National

તમારી નફરતની ફેક્ટરી હવે નહીં ચાલે’, UNમાં ભારતની પાકિસ્તાનને આકરી ફટકાર

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મંચ પરથી ભારતે પાકિસ્તાન પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા છે. ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સેના પોતાના દેશમાં નફરત અને દુષ્પ્રચારની એક સુવ્યવસ્થિત ફેક્ટરી ચલાવી રહી છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાન પોતાની જનતાને ભારત વિરુદ્ધ ભડકાવવા અને બંને દેશો વચ્ચે કાયમી દુશ્મનાવટનું વાતાવરણ જાળવી રાખવા માટે ધાર્મિક શબ્દો અને ભાવનાઓનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે પડોશી દેશોને જવાબદાર ઠેરવવી એ પાકિસ્તાનની જૂની આદત છે. તેમણે કહ્યું કે વિશ્વને ગેરમાર્ગે દોરવાના પાકિસ્તાનના પ્રયાસો હવે સફળ થવાના નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાય હકીકત સારી રીતે જાણે છે.

ભારતે બેઠક દરમિયાન ‘ફિત્ના અલ હિન્દુસ્તાન’ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો હતો. પી. હરીશે જણાવ્યું કે પાકિસ્તાન પોતાની કેટલીક સરકારી એજન્સીઓ અને તંત્ર દ્વારા દેશની અંદર સક્રિય જૂથોને આ નામથી ઓળખાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ‘ફિત્ના’ એક અરબી ધાર્મિક શબ્દ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે દેશદ્રોહ અથવા ધાર્મિક રીતે ભ્રષ્ટ માનવામાં આવતી પ્રવૃત્તિઓ માટે થાય છે. ભારતના જણાવ્યા મુજબ, આ શબ્દનો ઉપયોગ કરીને પાકિસ્તાન ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો અને ભારત વિરુદ્ધ ખોટી માનસિકતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારતે વધુમાં આરોપ લગાવ્યો કે આ સમગ્ર અભિયાન પાછળ પાકિસ્તાનની સેના અને ગુપ્તચર તંત્રની મહત્વની ભૂમિકા છે. પી. હરીશે કહ્યું કે પાકિસ્તાનનું ‘ડીપ સ્ટેટ’ પોતાના રાજકીય અને આર્થિક હિતો બચાવવા માટે નફરતનું વાતાવરણ જાળવી રાખે છે. તેમનું કહેવું હતું કે પાકિસ્તાની જનતાનું ધ્યાન દેશની બેરોજગારી, આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતા જેવા મહત્વના મુદ્દાઓ પરથી હટાવવા માટે ભારત વિરોધી વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ભારતે પાકિસ્તાનની રાજકીય વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પી. હરીશે જણાવ્યું કે પાકિસ્તાનમાં લોકશાહી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સેનાનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે તાજેતરના બંધારણીય ફેરફારો દ્વારા પાકિસ્તાની સેનાએ રાજકીય વ્યવસ્થા પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે આ પ્રકારની સ્થિતિથી પાકિસ્તાનમાં લોકશાહી સંસ્થાઓ નબળી પડી રહી છે અને સત્તા થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત થઈ રહી છે. ભારતનું માનવું છે કે આવી નીતિઓ દેશના લોકશાહી મૂલ્યો માટે ચિંતાજનક છે.

અફઘાનિસ્તાન મુદ્દે યોજાયેલી આ બેઠકમાં ભારતે આતંકવાદનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. પી. હરીશે વિશ્વના તમામ દેશોને અપીલ કરી કે તેઓ સરહદપારના આતંકવાદ સામે એકજૂથ થઈને લડે. તેમણે ચેતવણી આપી કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી ઇસ્લામિક સ્ટેટ, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો વૈશ્વિક શાંતિ માટે ખતરો બન્યા રહેશે. ભારતે ખાસ કરીને ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)નો ઉલ્લેખ કર્યો હતો, જેને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું સંગઠન માનવામાં આવે છે. ભારતે જણાવ્યું કે આ જ સંગઠને ગયા વર્ષે કાશ્મીરના પહલગામ વિસ્તારમાં નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોના જીવ ગયા હતા અને સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ હતી સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે આતંકવાદ, દુષ્પ્રચાર અને નફરત ફેલાવતી પ્રવૃત્તિઓ સામે વિશ્વે એક થઈને કામ કરવાની જરૂર છે. સાથે જ ભારતે પાકિસ્તાનને સંકેત આપ્યો કે ખોટા પ્રચાર અને ભારત વિરોધી અભિયાન દ્વારા હવે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવું સરળ નથી.

Most Popular

To Top