Vadodara

હરણી ગદા સર્કલ પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે 25 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત

માસના લોચા રોડ પર વિખેરાયા, જુવાનજોધ દીકરાનો લોહીથી લથબથ મૃતદેહ જોઈ માતા-પિતાનું હૈયાફાટ રુદન, રાવળ પરિવારનો કુળદીપક બુઝાયો

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

વડોદરા શહેરના હરણી ગદા સર્કલ પાસે ગતરાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ભારદારી વાહનચાલકે બાઇક સવાર 25 વર્ષીય આશાસ્પદ યુવકને એવી જોરદાર ટક્કર મારી હતી કે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે માસના લોચા રોડ પર વિખેરાઈ ગયા હતા. અકસ્માત સર્જીને બેદરકાર વાહનચાલક અંધારાનો લાભ ઉઠાવી વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ સંજય મહેશભાઈ રાવળ, ઉંમર વર્ષ 25 હતું. સંજયનો પરિવાર મૂળ સેવાસી વિસ્તારમાં આવેલા વેદાંત વિલા સામે શ્રમજીવી વસાહતમાં રહે છે. પિતા મહેશભાઈ મોહનભાઈ રાવળ અને પરિવાર મજૂરી કામ કરીને પોતાનું જીવન-ગુજરાન ચલાવે છે. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી ગરીબ રાવળ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મૃતકના પિતા મહેશભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, અકસ્માત સમયે તેઓ પોતાના શેઠના બંગલે કામ પર હાજર હતા. એ જ વખતે અચાનક તેમના મોબાઈલ પર ફોન આવ્યો કે, તમારા દીકરા સંજયનો અકસ્માત થયો છે અને તેનું મોત નીપજ્યું છે, તમે તાત્કાલિક ગદા સર્કલ પહોંચો. આ સાંભળતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પુત્રના અકસ્માતના સમાચાર મળતા જ પિતા મહેશભાઈ અને માતા દક્ષાબહેન તાબડતોબ હરણી ગદા સર્કલ ખાતે દોડી આવ્યા હતા. ત્યાં પોલીસ અને લોકોના ટોળા વચ્ચે પોતાના એકના એક જુવાનજોધ દીકરાની લોહીલુહાણ અને ક્ષત-વિક્ષત હાલતમાં લાશ જોઈને માતા-પિતા ભાંગી પડ્યા હતા. માતા દક્ષાબહેન અને પિતાના હૈયાફાટ આક્રંદ અને વિલાપથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને ત્યાં હાજર રાહદારીઓ તથા સ્થાનિક લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને માથા અને શરીરના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. ચીસ પાડી ઉઠાય તેવા આ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. હરણી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહનો કબજો મેળવી, તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

એક અજાણ્યા અને ભારદારી બેદરકાર વાહનચાલકની સ્પીડની ભૂખે એક ગરીબ પરિવારનો કુળદીપક હંમેશ માટે બુઝાવી દીધો છે. હરણી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા હત્યારા વાહનચાલકને પકડવા માટે પોલીસે ગદા સર્કલ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ફંફોસવાનું શરૂ કર્યું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આવા હિટ એન્ડ રનના ગુનેગારને વહેલી તકે પકડીને કડક સજા કરવામાં આવે.

Most Popular

To Top