Vadodara

CBSE ધો-12માં ફિઝિક્સના માર્કિંગ પર વિદ્યાર્થીઓનો ફૂટ્યો રોષ

ગણિત બીજા ક્રમે, સ્ટેપ માર્કિંગ ન આપવા,સાચા જવાબે શૂન્ય માર્કના આક્ષેપો

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

સીબીએસઈ ધોરણ 12ના પરિણામ બાદ રી-ઇવેલ્યુએશન માટે ઉત્તરવહીની ફોટોકોપી મેળવનારા હજારો વિદ્યાર્થીઓમાં ફિઝિક્સના માર્કિંગને લઈને સૌથી વધુ ફરિયાદો ઉઠી છે. વિદ્યાર્થીઓએ સાચા જવાબે શૂન્ય માર્ક, સ્ટેપ માર્કિંગ ન આપવા અને આખા પાનાં તપાસ્યા વગરના ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદોમાં ફિઝિક્સ પ્રથમ અને ગણિત બીજા ક્રમે છે.

વિધાર્થીના આક્ષેપ મુજબ મને અન્ય તમામ વિષયોમાં 80થી વધુ માર્ક મળ્યા, પણ ફિઝિક્સમાં માત્ર 18. મેં જોયું કે સાચા જવાબને પણ શૂન્ય માર્ક અપાયા છે. ફિઝિક્સનું મૂલ્યાંકન અત્યંત કડક હતું, ફોર્મ્યુલા અને સ્ટેપ સાચા હોવા છતાં માર્ક અપાયા નથી. તેમના એક વિદ્યાર્થીના રોલ નંબર હેઠળ અપલોડ થયેલી ઉત્તરવહી તેની હતી જ નહીં. હેન્ડરાઈટિંગ, લખાણ અને રજૂઆત સંપૂર્ણ અલગ હતી. ફરિયાદ વાયરલ થતાં સીબીએસઈ એ ભૂલ સ્વીકારી અને સાચી ઉત્તરવહી આપી હતી. વિધાર્થીઓ મુજબ આખા પેપરમાં પ્રયાસ કરેલા સવાલના પણ માર્ક મળ્યા નથી, ભલે જવાબ સંપૂર્ણ ખોટો ન હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, સંખ્યાત્મક જવાબ સાચા હોવા છતાં સ્ટેપ માર્કિંગ ન અપાયું. ગણિતમાં ઇન્ટરમીડિયેટ સ્ટેપ્સને પૂરતા માર્ક ન અપાયાની ફરિયાદો છે. કેમિસ્ટ્રીમાં માર્કિંગ સ્કીમ મુજબ જવાબ મેળ ખાતા હોવા છતાં અપેક્ષા કરતા ઓછા માર્ક મળ્યાની ફરિયાદ છે. બાયોલોજીમાં વિગતવાર સમજૂતી, લેબલિંગ અને ડાયાગ્રામને યોગ્ય રીતે ન તપાસવાના આક્ષેપો છે. સીબીએઈના ડેટા મુજબ ફરિયાદોનું પ્રમાણ જોતા ગ્રેડ થ્રેશોલ્ડ પણ નીચા ગયા છે. ફિઝિક્સમાં A1 કટ-ઓફ 2024ના 84 અને 2025ના 82થી ઘટીને આ વર્ષે 79 થયો છે. કેમિસ્ટ્રીમાં 89થી ઘટીને 87 અને ગણિતમાં 86થી ઘટીને 85 થયો છે. વિદ્યાર્થીઓ કહે છે કે એપ્લિકેશન-ઓરિએન્ટેડ પેપરની અપેક્ષા હતી, પણ મૂલ્યાંકનમાં આંશિક સાચા જવાબોને પૂરતા માર્ક અપાયા નથી. બોર્ડ કાઉન્સેલરનું કહેવું છે કે, આ વિસંગતતાઓ એન્જિનિયરિંગ સહિતના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી રહેલા વિદ્યાર્થીઓને અસર કરી રહી છે. ઘણા વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો કે, મૂલ્યાંકનની ભૂલ સુધારવા માટે વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન ફી અમે કેમ ભરવી પડે? બોર્ડે એ જણાવ્યું છે કે નિર્ધારિત વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન પ્રક્રિયા દ્વારા તમામ સાચી ચિંતાઓની તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top