Vadodara

પ્રવેશમાં ગંભીર ગેરરીતિ : GCAS પોર્ટલની ખામીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર

સેનેટ સભ્ય કપિલ જોશીએ કુલપતિને ઘેર્યા, ડીનના રાજીનામાની માંગ

GCAS-યુનિવર્સિટી વચ્ચે સંકલનનો અભાવ હોવાના આક્ષેપ

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જીકાસ પોર્ટલની ગંભીર ટેકનિકલ ખામીઓ અને વહીવટી બેદરકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સેનેટ સભ્ય કપિલ જોશીએ વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કુલપતિ સમક્ષ વિગતવાર રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

વિદ્યાર્થી અને વાલીઓએ આક્ષેપ કર્યો કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ અને એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ વચ્ચે સંકલનના અભાવે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અલગ-અલગ અધિકારીઓ પાસેથી વિરોધાભાસી માહિતી મળવાથી પ્રવેશ પ્રક્રિયા અંગે ભારે ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે. 7 જૂન, 2026ના રોજ એડિટિંગની જાહેરાત છતાં અનેક વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલમાં સુધારા કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ નહોતી. કેટેગરીમાં ફેરફાર કર્યા બાદ બીકોમ હોનર્સ સહિતની કોલેજ અને કોર્સ પસંદગીઓ પોર્ટલમાંથી આપમેળે દૂર થઈ ગઈ. બીકોમ બિઝનેસ ઓપરેશન પસંદ કરનારા અને બાદમાં બીકોમ ઓનર્સની પ્રવેશ પરીક્ષા આપી સારા માર્ક્સ મેળવનારા હોશિયાર વિદ્યાર્થીઓ 7 જૂનની એડિટિંગમાં હોનર્સ પસંદ કરવા માંગતા હતા, પણ તે માટે કોઈ વિકલ્પ જ નહોતો. માર્ગદર્શન માટે જાહેર કરાયેલા જીકાસ હેલ્પ સેન્ટરો અને હેલ્પલાઇન કાર્યરત નહોતા. વાલીઓ સવારે યુનિવર્સિટી પહોંચ્યા તો સંબંધિત કચેરીઓ બંધ મળી. હાજર હોવા છતાં એબ્સન્ટ પ્રવેશ પરીક્ષા આપ્યા હોવા છતાં વિગતોમાં અસંગતતાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને એબ્સન્ટ દર્શાવાયા હોવાની ગંભીર ફરિયાદો છે. તાત્કાલિક રિવેરિફિકેશનની માંગ
કપિલ જોશી અને વાલીઓએ માંગ કરી છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે તાત્કાલિક ફિઝિકલ રિવરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ, ઓળખપત્ર અને અન્ય પુરાવા રજૂ કરી ન્યાય મેળવી શકે. વધુમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે વિશેષ સુધારા વિન્ડો શરૂ કરવા, ડિલીટ થયેલી કોર્સ પસંદગીઓ પુનઃસ્થાપિત કરવા અને ટેક્નિકલ ભૂલોના કારણે કોઈને પ્રવેશથી વંચિત ન રાખવા માંગ કરાઈ છે. જીકાસ ફી અને પ્રવેશ પરીક્ષા ફી મળીને વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજો લાદાયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીએ જણાવ્યું કે, હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો પ્રશ્ન હોવાથી યુનિવર્સિટીએ આ મામલાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. કોઈપણ વિદ્યાર્થીને વહીવટી અથવા ટેક્નિકલ ક્ષતિના કારણે નુકસાન ન થાય તેની ખાતરી કરવી જોઈએ. કુલપતિને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top