છાણી પોલીસ અને એલસીબી ઝોન 1 ના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા
વડોદરા, તા. 8
વડોદરા શહેર પોલીસને લાંબા સમયથી ફરાર આરોપીઓ સામે ચાલી રહેલા અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. વર્ષ 2013માં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં પંચર પાડી પેટ્રોલિયમ ચોરી કરવાનો પ્રયાસ કરનાર અને છેલ્લા 13 વર્ષથી ફરાર આરોપી અરવિંદ હરીવંશરાય યાદવને છાણી પોલીસ સ્ટેશન તથા LCB ઝોન-1ની ટીમે ઝારખંડના જામતારા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીને દબોચી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2013માં પદમલા ગામની સીમમાંથી પસાર થતી IOCની કોયલી-સાંગાનેર પેટ્રોલિયમ પાઇપલાઇનમાં ખાડો ખોદી ક્લેમ્પ અને વાલ્વ લગાવી પેટ્રોલિયમ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે નોંધાયેલા ગુનામાં અરવિંદ યાદવ મુખ્ય આરોપી હતો, જે ઘટના બાદથી સતત ફરાર રહ્યો હતો.
પેટ્રોલિયમ જેવી અત્યંત જ્વલનશીલ પેદાશોની ચોરીનો પ્રયાસ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ માનવજીવન અને પર્યાવરણ માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે તેવી ઘટના ગણાય છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડિશનલ પોલીસ કમિશનર ડો. સુધીરકુમાર દેસાઈ અને ડીસીપી ડો. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન દરમિયાન LCB ઝોન-1ના હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ દશરથભાઈને આરોપી ઝારખંડના જામતારા વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી. ત્યારબાદ છાણી પોલીસ અને LCBની ટીમે ઝારખંડ પહોંચી સ્થાનિક સ્તરે ગુપ્ત રેકી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ ઝારખંડના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ પેટ્રોલિયમ ચોરી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનાઓ નોંધાયેલા છે.
હાલ આરોપીને વડોદરા લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન તેના અન્ય સાગરિતો તેમજ સમાન પ્રકારના અન્ય ગુનાઓ અંગે મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.