Vadodara

દીપક નાઇટ્રાઇટ કંપની સાથે યુરો 46,959 (રૂ.47 લાખથી વધુ)ની ઠગાઈ

જર્મન કંપનીના નામે ફેક ઈ-મેઈલ બનાવી રકમ ખોટા ખાતામાં ટ્રાન્સફર કરાવડાવી

“મેન ઇન ધ મિડલ” એટેકથી આંતરરાષ્ટ્રીય લેવડદેવડમાં છેતરપિંડી, પોર્ટુગલની બેંકના ખાતામાં રકમ જમા કરાવ્યા બાદ ભાંડો ફૂટ્યો

વડોદરા તા.9

વડોદરાના એલેમ્બિક રોડ પર આવેલી અગ્રણી કેમિકલ ઉત્પાદક કંપની દીપક નાઈટ્રેટ સહિત બે કંપની આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જર્મનીની કંપની સાથેના ટેકનિકલ કરાર અંતર્ગત કરવામાં આવનાર ચુકવણી દરમિયાન અજાણ્યા સાયબર ઠગોએ ફેક અને માસ્કડ ઈ-મેઈલ આઈડી બનાવી કંપનીને ગેરમાર્ગે દોરી યુરો 46,959 (અંદાજે રૂ. 47 લાખથી વધુ) પોર્ટુગલ સ્થિત બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આંતરિક તપાસમાં “મેન ઇન ધ મિડલ” પ્રકારની સાયબર છેતરપિંડી કરાઈ હોવાનો ખુલાસો થતાં કંપનીના ચીફ મેનેજરે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા અને દિપક નાઇટ્રેટ લિમિટેડ કંપનીમાં ચીફ મેનેજર (એકાઉન્ટ્સ) તરીકે ફરજ બજાવતા લક્ષ્મી ગણપતિએ કંપની વતી જણાવ્યું છે કે કંપનીએ જુલાઈ-2024 દરમિયાન જર્મનીની Glatt Ingenieurtechnik GmbH સાથે સોડિયમ નાઇટ્રાઇટ ઉત્પાદન માટે ફીઝિબિલિટી ટેસ્ટ સંબંધી કરાર કર્યો હતો.
ઠગોએ કંપનીના અધિકારીઓને જર્મન કંપનીના અધિકારીના નામની ફેક ઈ-મેઈલ આઈડીથી સંપર્ક કર્યો હતો. આ ઈ-મેઈલના આધારે કંપનીને પોર્ટુગલ સ્થિત Millennium Bancoના IBAN ખાતામાં યુરો 46,959 ટ્રાન્સફર કરવા સૂચના આપવામાં આવી હતી.
કંપનીએ 17 ઓક્ટોબરના રોજ ઓમાન સ્થિત તેની સહાયક કંપનીના કોટક મહિન્દ્રા બેંક, ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતામાંથી આ રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે જાન્યુઆરી-2026માં જર્મન કંપનીએ બાકી પેમેન્ટ અંગે પૂછપરછ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેની
ટેકનિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કંપનીના ઈ-મેઈલ સંવાદમાં વચ્ચે ઘૂસી જઈ ઠગોએ ફેક ઈ-મેઈલ મારફતે ચુકવણીની વિગતો બદલી નાખી હતી. બનાવની જાણ થતાં કંપનીએ તાત્કાલિક બેંકને રકમ રોકવા સૂચના આપી હતી, પરંતુ હજુ સુધી રકમ પરત મળી નથી.
આ અંગે કંપનીએ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી હતી. હવે ફેક ઈ-મેઈલ આઈડી બનાવનાર, તેનો ઉપયોગ કરનાર તેમજ જે બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ તેનાથી સંકળાયેલા તમામ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top