World

ભારતીય IT પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર, H-1B વિઝા ફી વધારાનો નિર્ણય અમાન્ય

અમેરિકામાં નોકરી અને કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. બોસ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણયને રદબાતલ જાહેર કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે નવા H-1B વિઝા માટે 100,000 ડોલરની ફી લાદવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કોર્ટે તેને ગેરકાનૂની ગણાવીને ફગાવી દીધો છે. આ નિર્ણયને ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ, એન્જિનિયરો, ડોક્ટરો અને અન્ય કુશળ કર્મચારીઓ માટે આ ચુકાદો મોટી રાહત લઈને આવ્યો છે, કારણ કે H-1B વિઝા અમેરિકામાં કામ કરવાનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાય છે.

બોસ્ટનના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિયો સોરોકિને પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પાસે કોંગ્રેસની મંજૂરી વિના આટલી મોટી રકમ વસૂલવાની સત્તા નથી. કોર્ટે જણાવ્યું કે 100,000 ડોલરની વસૂલાત માત્ર એક સામાન્ય ફી નહીં, પરંતુ ટેક્સ સમાન છે. અમેરિકાના બંધારણ મુજબ ટેક્સ લગાવવાની સત્તા કોંગ્રેસ પાસે છે અને રાષ્ટ્રપ્રમુખ પોતાની રીતે આવી વસૂલાત લાદી શકતા નથી. જજે વધુમાં કહ્યું કે જો કોઈ આર્થિક બોજો ટેક્સના સ્વરૂપમાં હોય, તો તેના માટે કાયદાકીય મંજૂરી જરૂરી બને છે. કોંગ્રેસ દ્વારા સત્તા સોંપવામાં આવી ન હોય ત્યાં સુધી પ્રમુખ આ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી. આ કારણસર કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશને અમાન્ય જાહેર કર્યો છે.

ટ્રમ્પે આ ફી વધારાની જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં કરી હતી. તેમનો દાવો હતો કે અમેરિકન કંપનીઓએ વિદેશી કર્મચારીઓની જગ્યાએ સ્થાનિક અમેરિકનોને વધુ નોકરીઓ આપવી જોઈએ. આ હેતુથી H-1B વિઝા મેળવવાની પ્રક્રિયા વધુ ખર્ચાળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પહેલાં કંપનીઓને H-1B વિઝા પ્રક્રિયા માટે સામાન્ય રીતે 2,000થી 5,000 ડોલર સુધીની ફી ચૂકવવી પડતી હતી. પરંતુ નવી નીતિ હેઠળ આ રકમ વધારીને સીધી 100,000 ડોલર સુધી લઈ જવામાં આવી હતી. ટેક કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનોનું માનવું હતું કે આટલી મોટી ફી ચૂકવવી ઘણી કંપનીઓ માટે અશક્ય બની જશે, જેના કારણે પ્રતિભાશાળી કર્મચારીઓને નોકરી પર રાખવામાં મુશ્કેલી ઊભી થશે.

આ નીતિ સામે અમેરિકાના અનેક રાજ્યો અને સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કેલિફોર્નિયા સહિત 20 ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ કોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે પ્રમુખ પોતાની મરજીથી આ પ્રકારનો આર્થિક બોજ લાદી શકતા નથી. ઉપરાંત યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ બિઝનેસ સંગઠનો અને યુનિવર્સિટીઓએ પણ આ નિર્ણય સામે કાનૂની લડત શરૂ કરી હતી. કોર્ટના આ ચુકાદાથી ટેક કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતીયો માટે આ ચુકાદો ખાસ મહત્વનો છે, કારણ કે H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થી ભારતીય નાગરિકો છે. અમેરિકાની ટેક કંપનીઓમાં કામ કરતા હજારો ભારતીય એન્જિનિયરો અને IT પ્રોફેશનલ્સ આ વિઝા પર આધાર રાખે છે. દર વર્ષે આપવામાં આવતા H-1B વિઝામાં સૌથી વધુ હિસ્સો ભારતીયોનો હોય છે. અમેરિકા દર વર્ષે 65,000 નિયમિત H-1B વિઝા જારી કરે છે. ઉપરાંત અમેરિકન યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવનારાઓ માટે વધારાના 20,000 વિઝા અનામત રાખવામાં આવે છે. અંદાજ મુજબ હાલમાં 730,000થી વધુ H-1B વિઝા ધારકો અમેરિકામાં રહે છે, જ્યારે તેમના પરિવારજનોની સંખ્યા પણ લાખોમાં છે. કોર્ટના આ નિર્ણયથી હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને તેમને નોકરી આપતી કંપનીઓને મોટી રાહત મળી છે. સાથે જ આ ચુકાદો એ પણ દર્શાવે છે કે અમેરિકામાં કોઈપણ મોટા આર્થિક નિર્ણય માટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે.

Most Popular

To Top