આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ અભિનિત બહુચર્ચિત સ્પાય થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’નું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદનો વિષય બની ગયું છે. ટીઝરને લઈને અનેક ચાહકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે, જ્યારે કેટલાક લોકોએ તેની સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ટીઝર સામે સૌથી વધુ વિરોધ શર્વરી વાઘના ચાહકો તરફથી જોવા મળ્યો છે. ચાહકોનું કહેવું છે કે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ બંને મુખ્ય ભૂમિકામાં છે, છતાં ટીઝરમાં મુખ્યત્વે આલિયાને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમના મતે, ટીઝરમાં બંને પાત્રોનું સમાન રીતે પરિચય કરાવવું જોઈએ હતું જેથી ફિલ્મ માત્ર આલિયા કેન્દ્રિત હોવાની છાપ ન પડે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ફિલ્મના પ્રમોશનની શરૂઆતથી જ શર્વરીને પાછળ ધકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાક ચાહકોએ તો ટીઝરને ‘વન-વુમન શો’ ગણાવીને નિરાશા વ્યક્ત કરી હતી.
વિવાદ અહીં અટક્યો નથી. કેટલાક ફિલ્મપ્રેમીઓએ ટીઝરના કેટલાક દ્રશ્યો અને ફિલ્મના મૂળ કન્સેપ્ટ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ટીઝરમાં દર્શાવાયેલ કેટલીક બાબતો ફ્રેન્ચ ફિલ્મ ‘લા ફેમ નિકિતા’ સાથે મળતી આવે છે. ચાહકોના જણાવ્યા મુજબ, ફ્રેન્ચ ક્લાસિક ફિલ્મમાં એક યુવતીને ખાસ મિશન માટે તાલીમ આપીને ઘાતક એજન્ટ બનાવવામાં આવે છે. ‘આલ્ફા’ના ટીઝરમાં પણ સમાન પ્રકારની થીમ અને રજૂઆત જોવા મળતી હોવાનું કેટલાક લોકોએ દાવો કર્યો છે. જોકે ફિલ્મ નિર્માતાઓ તરફથી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ, તાજેતરમાં ચર્ચામાં રહેલી સ્પાય અને એક્શન ફિલ્મ ‘ધુરંધર’ સાથે પણ ‘આલ્ફા’ની સરખામણી શરૂ થઈ ગઈ છે. કેટલાક ચાહકોનું માનવું છે કે ‘ધુરંધર’માં જોવા મળેલી વાસ્તવિકતા, તીવ્રતા અને આક્રમક એક્શનની સરખામણીમાં ‘આલ્ફા’નું ટીઝર એટલું પ્રભાવશાળી લાગતું નથી.
સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટમાં યુઝર્સે લખ્યું છે કે જો સ્પાય થ્રિલર બનાવવી હોય તો તેની રજૂઆત વધુ વાસ્તવિક અને પ્રભાવશાળી હોવી જોઈએ. કેટલાકે તો સ્પષ્ટપણે કહ્યું કે ‘ધુરંધર’એ જે ધોરણ નક્કી કર્યું છે, તેની સામે ‘આલ્ફા’નું ટીઝર નબળું લાગે છે. જોકે બીજી તરફ આલિયા ભટ્ટના ચાહકો ટીઝરના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે. તેમનું માનવું છે કે માત્ર ટીઝરના આધારે ફિલ્મ અંગે અંતિમ અભિપ્રાય આપવો યોગ્ય નથી અને સંપૂર્ણ ટ્રેલર તથા ફિલ્મ રિલીઝ થયા બાદ જ તેની સાચી ગુણવત્તાનો અંદાજ આવી શકશે. ફિલ્મ રિલીઝ પહેલાં જ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી આ ચર્ચાએ ‘આલ્ફા’ને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. હવે જોવાનું રહેશે કે આગામી ટ્રેલર અને ફિલ્મ રિલીઝ બાદ દર્શકોનો પ્રતિસાદ કેવો રહે છે.